આજકાલ બાળકોથી માંડીને મોટેરાઓમાં સ્માર્ટફોન અને ટેબ્લેટનો વપરાશ ખૂબ વધી ગયો છે. જોકે આના ખરાબ પરિણામો હવે જોવા મળી રહ્યા છે. દર ૧૦માંથી ૯ બાળકો સ્માર્ટફોન-ટેબ્લેટ પર જ સતત વધુ સમય ગાળી રહ્યા છે, તેના કારણે તેમની ઊંઘની પેટર્ન ખોરવાઈ રહી છે. જે બાળકો કલાકો સુધી સ્માર્ટફોન અને ટેબ્લેટ પર સમય ગાળે છે, તેમની ઊંઘની પેટર્ન તેમાંથી નીકળતી બ્લૂ લાઈટને કારણે ખોરવાઈ જાય છે.
યુકેમાં ૧૪ વર્ષના ટીનેજર્સમાંથી ફક્ત ૯.૭ ટકા જ ત્રણ ભલામણો અનુસરે છે. જ્યારે ત્રણ ચતૃર્થાંશ ટીનેજર્સ દરરોજ બે કલાક કરતાં વધુ સમય સ્માર્ટફોન-ટેબ્લેટ ઉપર ગાળે છે. યુકેમાં ૪૦૦૦ બાળકો પર થયેલા અભ્યાસમાં જણાયું છે કે ૧૪ વર્ષના બાળકોમાંથી ૭૭ ટકા બાળકો દરરોજ બે કે તેથી વધુ કલાકનો સમય સ્ક્રીન સામે ગાળે છે. સંશોધકોએ એવું પણ તારણ કાઢ્યું હતું કે, ૧૦ બાળકોમાંથી એક કરતાં વધુ બાળકો તેમની શાળા ચાલુ હોય એ દરમિયાન રાત્રે આઠ કલાક કરતાં વધુ ઊંઘ લઇ શકતા નથી. આ સ્થિતિ આખરે તેમને હતાશાના લક્ષણ ભણી દોરી જાય છે. એટલું જ નહીં, તેમની વિચારવાની ક્ષમતાને પણ નુકસાન થાય છે.