લંડનઃ આપણા દરેકના જીવનમાં મોબાઇલ ફોન આગવું સ્થાન ધરાવે છે. સંવાદ-સંપર્કનું આ સાધન આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયો છે એમ કહીએ તો પણ તેમાં અતિશ્યોક્તિ નથી. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે તમારો સ્માર્ટફોન ટોઇલેટ સીટ કરતાં પણ સાત ગણો વધુ ગંદો હોય છે! એક અભ્યાસમાં આ ચોંકાવનારું તારણ રજૂ થયું છે.
ખૂણેખાંચરે બેક્ટેરિયાનો જમાવડો
અભ્યાસના ભાગરૂપે ટોઇલેટ સીટનું સ્કેનિંગ કરાયું તો તેમાં જણાયું હતું કે ૨૨૦ જગ્યાઓ એવી છે જ્યાં બેક્ટેરિયા ઊછરતા હતા, પરંતુ મોબાઇલમાં આવા સ્થળોની સરેરાશ સંખ્યા ૧,૪૭૯ જોવા મળી છે! યુનિવર્સિટી ઓફ એબરડિનમાં બેક્ટેરિયાલોજીના પ્રોફેસર હગ પેન્નિંગ્ટન કહે છે કે, દરરોજ અસંખ્ય વખત તમે સ્માર્ટફોનના સંપર્કમાં આવો છો. સ્માર્ટફોન પર જોવા મળતા જીવાણુમાંથી મોટા ભાગના ફોનનો ઉપયોગ કરનારાં પર જોવા મળ્યા હતા. આ જ કારણસર એકબીજાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું સલાહભર્યું નથી.
લેધર કવર સૌથી વધુ જોખમી
મોટા ભાગનાં લોકો મોબાઇલ ફોનની સુરક્ષા માટે કવરનો ઉપયોગ કરે છે. આમાં પણ બહુમતી લોકોની પસંદ લેધર કવર હોય છે. જોકે મોબાઇલનું રક્ષણ કરતું આ લેધર કવર બેક્ટેરિયાનું ઘર હોય છે. તેમાં સૌથી વધુ બેક્ટેરિયા જોવા મળ્યા છે. આનો મતલબ એવો પણ નથી કે ધોઈ શકાય તેવા પ્લાસ્ટિકના કવરમાં બેક્ટેટેરિયા હોતા નથી. પ્લાસ્ટિકના કવરમાં પણ ટોઇલેટ સીટ કરતાં છ ગણા વધારે બેક્ટેરિયા જોવા મળ્યા છે! ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓના સર્વેમાં જાણવા મળ્યું છે તે મુજબ દર પાંચમાંથી બે કર્મચારી - નોકરીનાં સ્થળે આવેલા - બાથરૂમમાં સ્માર્ટફોન લઈને જાય છે. સૂક્ષ્મ જીવો સ્માર્ટફોનની લાઇટથી આકર્ષાતા હોય છે, તેના કારણે તેના પર વધુ જીવાણું ચોંટે છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૧માં લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના વિજ્ઞાનીઓએ કરેલા અભ્યાસ દરમિયાન મોબાઇલ ફોનમાંથી ફૂડ પોઇઝનિંગ માટે જવાબદાર ઈ કોલી તેમજ હોજરીની કામગીરી ખોરવે તેવા જીવાણુઓ મળી આવ્યાં હતાં.
એ પહેલાંનાં વર્ષે ગ્રાહક હિત જાળવતી સંસ્થા વિચે ૩૦ મોબાઇલ ફોન ચકાસ્યા હતા, જે તમામ પર બેક્ટેરિયાની હાજરી જોવા મળી હતી. આ બધા બેક્ટેરિયા જે તે ફોનના વપરાશકર્તા માટે પેટની ગંભીર બીમારી નોતરે તેવા હતા.