સ્થૂળતા અને જાડાપણું આવવાના અનેક કારણો મેડિકલ સાયન્સમાં જોવા મળે છે. જોકે તાજેતરમાં અમેરિકામાં થયેલા સંશોધને અલગ જ દિશામાં તારણો આપ્યા છે. તાજેતરમાં કેલિફોર્નિયાની સિમોન બોલિવર યુનિવર્સિટીમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું. તેના તારણમાં જાણવા મળ્યું છે કે, દરરોજ પાંચ કલાક કે તેનાથી વધારે સમય મોબાઈલ ઉપર પસાર કરનારા લોકોને સ્થૂળતા થવાની શક્યતાઓ ૪૩ ટકા વધારે હોય છે. સંશોધકોએ ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપર આ અભ્યાસ હાથ ધર્યો હતો. ગત વર્ષે કોરોનાકાળ દરમિયાન સંશોધકો દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સંશોધકોએ જણાવ્યું કે, લોકોના હાથમાં રહેલો મોબાઈલ જ તેમનું સ્વાસ્થ્ય ખરાબ કરવા માટે કારણભૂત છે. સતત વજન વધવાના કારણે હૃદય ઉપર ભારણ વધે છે. તે ઉપરાંત સંશોધકોએ એમ પણ જણાવ્યું કે, આ અભ્યાસમાં જોડાયેલા વિદ્યાર્થીઓમાંથી ૨૫ ટકા વિદ્યાર્થીઓ ઓવરવેટ હતા. આ વિદ્યાર્થીઓ દરરોજ પાંચ કલાક કરતાં વધારે સમય મોબાઈલમાં જ પસાર કરતા હતા. સંશોધકોએ અભ્યાસના અંતે જણાવ્યું કે, જે યુવાનો અથવા તો વિદ્યાર્થીઓ ફોનનો વધારે પડતો ઉપયોગ કરતા હતા તેઓ કોલ્ડ ડ્રિન્ક્સ વધારે પીતા હતા, ફાસ્ટ ફૂડ વધારે ખાતા હતા, કેન્ડી અને અન્ય ગળ્યા પદાર્થોનું પણ સેવન વધારે પ્રમાણમાં કરતા હતા. આ ઉપરાંત તેમનો મેટાબોલિઝમ રેટ પણ ધીમો પડી ગયો હતો. તેના કારણે તેમને ઊંઘ આવવામાં પણ સમસ્યા થતી હતી અને તેના પરિણામે તેમના વજનમાં વધારો થતો ગયો હતો. સંશોધકો જણાવે છે કે, મોબાઈલમાં વ્યસ્ત રહેતા લોકોને ફાસ્ટ ફૂડ આપવામાં આવે તો કન્ટ્રોલ કરી શકતા નથી.