મોબાઈલ ફોનથી બ્રેઈન કેન્સર થવાના કોઈ પુરાવા નહિ
મોબાઈલ ફોન્સથી વિકિરણો ફેલાય છે અને તેનાથી કેન્સર થાય છે તેવા વાદવિવાદ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના નવા રીવ્યૂમાં જણાવાયું છે કે મોબાઈલ ફોનથી બ્રેઈન કેન્સર થવાના કોઈ પુરાવા નથી. એન્વિરોનમેન્ટ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત આ રીવ્યૂમાં 1994થી 2022 સુધીના ગાળામાં પ્રકાશિત થયેલા 22 દેશના 63 સંશોધન આર્ટિકલ્સને સાંકળી લેવાયાં છે જેમાં મોબાઈલ ફોન્સના ઉપયોગ, વર્કપ્લેસ રેડિયો ફ્રીકવન્સી -ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ (RF-EMF) ટ્રાન્સમિશન ઈક્વિપમેન્ટ, સેલ ટાવર્સ અને બાળકો અથવા વયસ્કોમાં બ્રેઈન અને પિટ્યુટરી કેન્સર અથવા લ્યુકેમીઆ વચ્ચે કોઈ સંબંધ હોવાનું જણાયું ન હતું. અગાઉ, ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) દ્વારા મોબાઈલ ફોન્સને ‘સંભવિત કાર્સિનોજેનિક’ ગણાવ્યા હતા. મોબાઈલ ફોન્સ વાસ્તવમાં લો પાવર્ડ RF-EMF ટ્રાન્સમીટર્સ છે જે ફિક્સ્ડ એન્ટેનાઝ-સેલ ટાવર્સ મારફતે તેમના ડેસ્ટિનેશન્સ સુધી રેડિયો વેવ્ઝ પ્રસારિત કરે છે. આ તરંગો ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ હોય છે જે રીવ્યૂ અનુસાર હાનિકારક હોતાં નથી અને આપણા શરીરોમાં કેમિકલ બોન્ડ્સને તોડવા, આયોનાઈઝેશન કરવા અથવા DNA ને નુકસાન કરવાની ક્ષમતા ધરાવતાં નથી.
•••
રાત્રે ઝળાંહળાં વિશ્વ રોગોનું જોખમ વધારે છે
એક સમય એવો હતો કે રાત્રે ચંદ્ર અને તારાનો પ્રકાશ પર્યાપ્ત થઈ રહેતો હતો પરંતુ, વર્તમાન વિશ્વ રાત્રે પણ રોશનીથી ઝગમગતું રહે છે. હવે સંશોધકો સમજી રહ્યા છે કે આ રોશની આપણા આરોગ્ય પર કેવી દૂરગામી નુકસાનકારક અસરો પહોંચાડે છે. તાજેતરના બે અભ્યાસો ઝગમગતી રાત્રિની રોશનીને ટાઈપ 2 ડાયાબિટીસ અને અલ્ઝાઈમર્સ ડિસીઝના વધતાં જોખમ સાથે સાંકળે છે. બંને અભ્યાસો અનુસાર વધુપડતો રાત્રિપ્રકાશ બાયોલોજિકલ ક્લોકના સિર્કાડિયન તાલમેલને નુકસાન પહોંચાડે છે. ઓસ્ટ્રેલિયાની ફ્લિન્ડર્સ યુનિવર્સિટીના સંશોધકોએ યુકે બાયોબેન્કના 85,000 પાર્ટિસિપેન્ટ્સના ડેટાનો અભ્યાસ કર્યો હતો જેઓ મોડી રાત્રિના 12.30થી વહેલી સવારના 6 વાગ્યા સુધી સતત પ્રકાશ હેઠળ રહેતા હતા અને તેમને ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધ્યું હતું. આ જોખમને દિવસના કુદરતી પ્રકાશ સાથે કોઈ સંબંધ ન હતો. અન્ય અભ્યાસમાં રાત્રિપ્રકાશના પ્રદૂષણ અને અલ્ઝાઈમર્સ ડિસીઝના જોખમ વચ્ચે સંબંધ જોવામાં આવ્યો છે.