વોશિંગ્ટન : અમેરિકી ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએન્ટેકે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. ફાઈઝરના પ્રવક્તા શેરોન કેસ્ટિલોએ જણાવ્યું કે પ્રારંભિક તબક્કામાં ૩૧ માર્ચે પહેલા બાળકને વેક્સિન અપાઇ. અમેરિકી કંપની મોડર્નાએ પણ આ અઠવાડિયે કોરોના વેક્સિનનું બાળકો પર પરીક્ષણ શરૂ કર્યું છે. તેને કિડકોવ અભિયાન નામ અપાયું છે. અભિયાન અંતર્ગત અમેરિકા-કેનેડામાં ૬ મહિનાથી ૧૧ વર્ષ સુધીના ૬,૭૫૦ બાળકોની પરીક્ષણ માટે નોંધણી કરાઇ. દરમિયાન, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઓક્ટોબર સુધીમાં બાળકો માટે વેક્સિન લાવવાની તૈયારીમાં છે. આ વેક્સિન બાળકના જન્મના એક મહિનામાં અપાશે. સાથે જ કંપની આ વેક્સિનને ભવિષ્યમાં દવા તરીકે પણ વિકસિત કરશે, જેથી બાળક કોરોના સંક્રમિત થાય તો તેને દવા આપી શકાય. ભારત બાયોટેક પણ હાલ પાંચથી ૧૮ વર્ષના બાળકો પર વેક્સિનનું પરીક્ષણ કરી
રહી છે.