વોશિંગ્ટનઃ અમેરિકામાં બે તૃતિયાંશ બેબીફૂડમાં ઝેરી અને આરોગ્યને હાનિ પહોંચાડે તેવાં તત્ત્વો મળી આવ્યાં હોવાનું જણાયું હતું. ધ ક્લીન લેબલ પ્રોજેક્ટ દ્વારા ૫૦૦ બેબીફૂડનાં પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં, જેમાં ૬૫ ટકા બેબીફૂડમાં ઝેરી અને હાનિકારક તત્ત્વો હોવાનું જાણવા મળ્યું હતું. બેબીફૂડની ૮૦ ટકા ફોર્મ્યુલામાં પણ ઝેરી અને આરોગ્યને હાનિકારક રાસાયણિક તત્ત્વો હોવાનું જણાઈ આવ્યું હતું. ડેનવરમાં આવેલી નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલતી સંસ્થા ધ ક્લીન લેબલ પ્રોજેક્ટ દ્વારા આખા અમેરિકામાંથી ૫૦૦ બેબીફૂડ એકઠાં કરાયાં હતાં. જેમાં ગેર્બર, પેરન્ટ્સ ચોઇસ અને સ્પ્રાઉટ જેવી જાણીતી બ્રાન્ડમાં પણ ઝેરી તત્ત્વો મળી આવ્યાં હતાં.
૩૫ ટકા બેબીફૂડમાં સીસું અને ૫૮ ટકામાં કેડમિયમ
આ તત્ત્વો નાનાં બાળકોની કુશળતા, કલ્પનાશક્તિ, જ્ઞાન મેળવવાની ક્ષમતા તેમજ હાર્ટને લાંબા ગાળે અસર કરે છે. આવાં બેબીફૂડમાં સીસું અને અન્ય ઝેરી રસાયણોનું મિશ્રણ મળી આવ્યાં હતાં. ૩૫ ટકા બેબીફૂડમાં સીસું હતું અને ૫૮ ટકામાં કેડમિયમ હતું. આવાં બેબીફૂડ ખાનાર બાળકોને મગજ અને જ્ઞાનતંતુને લગતા રોગો થઈ શકે છે અને રોગપ્રતિકારક શકિતને હાનિ પહોંચાડી શકે છે.