ન્યૂ યોર્કઃ અમેરિકાના ટેક્સાસમાં માસ્કવિરોધી આંદોલનના પ્રણેતા સેલેબ વોલેસનું કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શનિવારે વોલેસની પત્ની જેસિકાએ આ જાણકારી આપી હતી. વોલેસ ત્રણ સપ્તાહથી આઇસીયુમાં સારવાર હેઠળ હતો. ટેક્સાસના સેન એન્જેલોમાં રહેતો ૩૦ વર્ષીય વોલેસ ફરજિયાત માસ્ક પહેરવાની નીતિનો કટ્ટરવિરોધી હતો. જોકે તે કોરોના રસીનો વિરોધી નહોતો. વોલેસનું માનવું હતું કે માસ્કનો નિયમ વ્યક્તિના અંગત જીવનમાં સરકારની દખલ છે. તેનો એવો પણ દાવો હતો કે માસ્ક કોરોનાથી બચાવે જ છે એવું પુરવાર કરતા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેનું માનવું હતું કે માસ્ક પહેરવાનો નિયમ બંધારણે આપેલા અધિકારોનું હનન કરે છે.
વેલ્ડીંગ સાધનો બનાવતી કંપનીમાં નોકરી કરતા વોલેસે સમર્થકોની સાથે મળીને એન્ટિ-માસ્ક મુવમેન્ટ શરૂ કરી હતી અને તેણે વિવિધ સ્થળે રેલીઓ પણ યોજી હતી. આ માટે વોલેસે સેન એન્જેલો ફ્રીડમ ડિફેન્ડર નામનું ગ્રૂપ બનાવ્યું હતું.
જોકે તેની પત્ની માસ્ક-સમર્થક હતી
સેલેબ વોલેસ ભલે માસ્કનો ચુસ્ત વિરોધી હતો પણ તેની પત્ની જેસિકા માસ્કની સમર્થક હતી અને હંમેશા માસ્ક પહેરવાનું પસંદ કરતી હતી. જોકે જેસિકાએ જણાવ્યું હતું કે આ મુદ્દે તેમની વચ્ચે કોઈ મતભેદ નહોતો. વોલેસ ભલે તેની પત્નીની માન્યતા સાથે સંમત નહોતો પણ એ તેનો આદર કરતો હતો. વોલેસ અને જેસિકાને ત્રણ સંતાનો છે જ્યારે તેની પત્ની ટૂંક સમયમાં ચોથા સંતાનને જન્મ આપવા જઈ રહી છે.