નિરોગી જીવનના ૧૦૦ વર્ષ પુરા થવા એ ખરા અર્થમાં જન્મોત્સવ કહેવાય. જીબાબાનાં સ્વસ્થ જીવનના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમના પરિવારજનો દ્વારા ડેલાવર ખાતે જન્મ શતાબ્દી શતાયુ જીવનની ઉજવણી કરવામાં આવી હતી. હાલ કોવિડને કારણે મોટો ઉત્સવ કરવો શક્ય બન્યો નહોતો આથી તેમના નાના દીકરાના ઘરે બહાર લોનમાં કુટુંબીજનોએ ભેગા મળી ઉજવણી કરી હતી.
ભારતમાં બા અલીન્દ્રા ગામમાં રહેતા હતા. અગિયાર વર્ષની ઉંમરે તેમના લગ્ન થઇ ગયા હતા. તે જમાનામાં પણ બા પાંચમાં ધોરણ સુધી ભણ્યા હતા. જેના કારણે આજે પણ વાંચી શકે છે, લખી શકે છે. આજે પણ ભગવદ્ ગીતા, હનુમાન ચાલીસા અને બીજા ઘણા ધર્મ પુસ્તકો દરરોજ સવારે વાંચે છે. મજાની વાત એ છે કે બા સંસ્કૃત પણ વાંચી શકે છે. ૧૦૦ વર્ષની ઉંમરે પણ બાને વાંચવા માટે ચશ્માં નથી જોઈતા.
લેન્ડલાઇન ફોનથી આજે પણ ઇન્ડીયા સગાવહાલાંઓ ને જાતે ફોન કરે છે. લગભગ દરેકના નંબર તેમને મોઢે યાદ છે. આજે જ્યારે આપણે ફોન મેમરીને કારણે આપણી યાદશક્તિ ભૂલતા જઈએ છીએ ત્યારે આવા વડીલો આપણને શરમાવી જાય છે.
૧૯૮૦માં દાદાનો સ્વર્ગવાસ થયા પછી તેઓ જાતે ખુબ ઈન્ડીપેન્ડન્ટ થઇ ગયા. ૧૯૮૩માં તે અમેરિકા રહેતા તેમના દીકરા દિનેશભાઈ સાથે રહેવા આવ્યા. તેમના અમેરિકામાં વસતાં પરિવારમાં સાત દીકરાઓ અને એક દીકરીના પરિવારનાં ૮૮ સભ્યો જે મોટાભાગે અમેરિકામાં છે તેમની સાથે આનંદથી જીવન વ્યતીત કરી રહ્યા છે. દરેકને પ્રેમથી બાંધી રાખ્યા છે.
છેલ્લા આશરે ૩૦ વર્ષથી જીબાબા તેમના નાના દીકરા હેમેન્દ્ર અને રૂપલ પટેલ સાથે જ રહે છે. ખુબ જ આનંદ અને શીખ આપે તેવી વાત લખતા ખુશી અનુભવાય છે કે હેમેન્દ્રભાઈના ત્રણ બાળકો પૈકી દીકરો કિશન હાલ ૨૨ વર્ષનો છે. બે જોડિયા દીકરીઓ રિદ્ધિ - સિદ્ધિ ૧૯ વર્ષની છે. આ બાળકોએ આજ સુધી બાને કદી પણ એકલા સુવા દીધા નથી. પહેલા પૌત્ર પછી પૌત્રીઓ એક પણ દિવસ ચુક્યા વિના બાની સાથે સુઈ રહ્યા છે.
ઘરના સભ્યોના બાળકો પણ બાને ખુબ સાચવે છે. આજે અમેરિકા તો શું દેશમાં પણ ઘરડા બા દાદાની કોઈને પરવા નથી. પોતાની પ્રાઈવસી અને જરૂરિયાતો મહત્વના છે ત્યારે આવા બાળકો અને તેમને મળેલા સંસ્કાર હૈયું ભીંજવી જાય છે. ઘરના સભ્યો કહે છે બાએ દરેકને ખુબ પ્રેમ આપ્યો છે તો પ્રેમ મેળવવો પણ તેમનો હક છે.
આજે આ ઉમરે પણ તેઓ જાતે રસોઈ બનાવે છે. દીકરાની વહુને કામ ઉપરથી આવતા વાર લાગે તો અડધી રસોઈ બનાવી નાખે છે. નાનામોટા ઘરના કામ જાતે કરે છે અને કહે છે હલનચલ કર્યા વિના શરીર અકળાઈ જાય.
આટલી ઉંમરે પણ કોઈને ત્યાં સારો ખોટો પ્રસંગ હોત તો લાકડીના ટેકે પણ જીબાબાની હાજરી અવશ્ય જોવા મળે. બા ખુબ સારા ભજનો ગાય છે. એ માટે તેમને માઈકની પણ જરૂર પડતી નથી. દરેકને ત્યાં લગ્ન કે મરણ હોય અને તે એક પણ ભજન ના ગાયુ હોય તેવું બન્યું નથી. ખુબ પ્રેમાળ વ્યક્તિત્વ છે.
ડેલાવર સ્ટેટ ખુબ નાનું સ્ટેટ છે. અહીં વધારે પડતા ચરોતરના ગુજરાતીઓ, જે વર્ષોથી અહી છે. આ કારણે બધા સાથે મળીને બહોળો પરિવાર બની ગયો છે. દરેકને આ બા માટે પ્રેમ અને માન છે.
આજે લાંબુ આયુષ્ય ધરાવતા વૃદ્ધોની સંખ્યામાં ભારે વધારો જોવા મળે છે. લાંબુ જીવન જીવવું તેના કરતાં મહત્વનું છે કે કેવું અને કેટલું નીરોગી જીવો છો. શતાબ્દીએ પહોચતા વડીલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
આ બાબતે તેમના લાંબા આયુષ્યના રહસ્યની શોધ કરતા ઘણા તત્વો અસરકારક જણાયા છે. જેમાં પહેલાના સમય કરતા આજે આપણા સમાજમાં આટલા લાંબા સમય મેડિકલ ક્ષેત્રે પ્રગતિ, રસીમાં સુધારો, એન્ટિબાયોટિક્સ, સ્વચ્છતા અને સેનિટેશન, બધા જ વિકસિત યુગમાં વધેલા અસ્તિત્વ માટે જવાબદાર છે. લોકો તેમના સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃત થયા છે. સક્રિય રહેવા અને તંદુરસ્ત રહેવા એક્સરસાઇઝ અને યોગ્ય ખોરાક લેવાનું મહત્વ સમજવા લાગ્યા છે.