લંડનઃ જાપાનીઝ ફ્લૂ સામેની પ્રતિકારક રસી લોકોને આપવામાં NHSનિષ્ફળ જતાં હવે આ ફ્લૂએ યુકેના કેટલાંક ભાગોમાં રોગચાળાનું રૂપ ધારણ કર્યું છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડની માહિતી મુજબ છેલ્લાં બે અઠવાડિયામાં ફ્લૂના કેસોમાં ૧૫૦ ટકાનો વધારો નોંધાયો હતો અને વડીલોના મૃત્યુમાં વધારો જણાયો હતો. હર્ટફર્ડશાયર, નોર્થ સમરસેટ અને યોર્ક શહેરમાં ફ્લૂ રોગચાળાના સ્તરે પહોંચી ગયો છે. હેલ્થ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલની સીઝન છેલ્લાં સાત વર્ષની ખૂબ ખરાબ છે. આ રીતે જ ચાલશે તો પંદર દિવસમાં જ ઈંગ્લેન્ડને રોગચાળાગ્રસ્ત જાહેર કરાશે.
GPsઆ વાઈરસને ફેલાતો અટકાવવા ફ્લૂના દર્દીઓને ઘરે જ રહેવા તાકીદ કરી હતી. સિનિયર ડોક્ટરોએ વેક્સિન પર થતો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરીને કટોકટીને વધુ ગંભીર બનાવવાનો હેલ્થ ઓફિસરો પર આરોપ મૂક્યો હતો.
જોકે, મોટાભાગના આ કેસો જાપાનીઝ ફ્લૂ તરીકે ઓળખાતા B - Yamagataના જણાયા છે. મોટાભાગના દર્દીઓને જે રસી અપાઈ છે તેમાં તેની રસી નથી.
NHS પાસે ત્રણ પ્રકારના ફ્લૂ સામે રક્ષણ આપતી ૫ પાઉન્ડની ટ્રાઈવેલન્ટ અને ચાર પ્રકારના ફ્લૂ સામે રક્ષણ આપતી ૮ પાઉન્ડની ક્વાડ્રીવેલન્ટ એમ બે પ્રકારની રસી હતી. પરંતુ, NHSના સિનિયર મેનેજરોના જણાવ્યા મુજબ હેલ્થ ઓફિસરોએ જાપાનીઝ ફ્લૂ સિવાયના ફ્લૂનો પ્રતિકાર કરે તેવી રસી પસંદ કરવા GPs પર દબાણ કર્યું હતું.
ફ્લૂનું જોખમ ધરાવતા ૩ મિલિયનથી વધુ લોકો રસીથી વંચિત
૨૦૦૯માં ફાટી નીકળેલા સ્વાઈન ફ્લૂના રોગચાળા પછી હાલ પણ ફ્લૂના રોગચાળાની દહેશત છવાયેલી હોવા છતાં ફ્લૂ થવાનું ખૂબ જોખમ ધરાવતા ૩ મિલિયનથી વધુ લોકોને તેની રસી અપાઈ ન હોવાનું હેલ્થ વિભાગના વડાઓએ જણાવ્યું હતું.
NHS ઈંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટર સર બ્રુસ કેઓગ અને રોયલ કોલેજ ઓફ GPsના ચેરમેન પ્રો. હેલન સ્ટોક્સ-લેમ્પર્ડે જીપીને મોકલેલા પત્રમાં ચેતવણી આપી છે કે શિયાળામાં ફાટી નીકળતા આ જીવલેણ રોગ સામે પ્રતિકાર માટે લોકોને રસી આપવા તેમની પાસે માત્ર બે અઠવાડિયાનો જ સમય છે. ફ્લૂને લીધે આ વર્ષે ૮૫ લોકોએ જીવ ગુમાવ્યા છે અને તે વ્યાપક રોગચાળો બની શકે તેમ છે.
પ્રસૂતાઓ અને અસ્થમાના યુવા દર્દીઓએ હજુ સુધી જેબ લીધી ન હોવાથી તેમને વધુ જોખમ રહેશે. ફ્લૂ વેક્સિનની માગમાં ભારે ઉછાળો આવતા કેમિસ્ટોને ત્યાં પણ તેનો સ્ટોક ખૂટી ગયો હતો.