હમ નહીં સુધરેંગેઃ યુકેના ૬૬ ટકા લોકો લોકડાઉનમાં પડેલી ખરાબ આદતો છોડવા માટે તૈયાર નથી

Tuesday 19th May 2020 11:50 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસના પ્રસારમાંથી બચવા લોકડાઉનમાં ઘેર રહેવું ફરજિયાત અને હિતાવહ હતું પરંતુ, ઘેર રહેવા દરમિયાન લોકો કેટલીક બિનઆરોગ્યપ્રદ આદતોનો શિકાર પણ બની ગયા હતા. YouGovના સર્વેમાં જણાયું છે કે લોકડાઉનમાંથી બહાર આવ્યા પછી પણ બે તૃતીઆંશ લોકો આ આદતો ચાલુ રાખવા માગે છે. નબળું ડાયેટ, આલ્કોહોલ, સ્મોકિંગ, આળસ-નિષ્ક્રિયતા, સોશિયલ મીડિયાનો વધુપડતો ઉપયોગ અને મોડે સુધી જાગવાની ખરાબ આદતો હજુ ચાલુ રહેવાની છે. ૩૩ ટકા લંડનવાસીઓ લોકડાઉનમાં પડેલી ખરાબ આદતો છોડવાનો પ્રયાસ કરવા માગે છે. માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો ૪૫ ટકા લોકોએ કસરતો સહિતની પોઝિટિવ આદતો પણ વિકસાવી છે.

બ્રિટન લોકડાઉનમાંથી તો બહાર નીકળશે પરંતુ, બ્રિટિશરો ખરાબ આદતો અને નબળા સ્વાસ્થ્ય સાથે બહાર આવશે. Your.MD સેલ્ફ-કેર એપ અને વેબસાઈટ માટે YouGov દ્વારા કરાયેલા સર્વેમાં પાંચમાંથી ચાર (૮૧ ટકા) વ્યક્તિએ લોકડાઉન દરમિયાન તેમની ધૂમ્રપાન, ખરાબ ખાણીપીણી અને મોડે સુધી જાગવા સહિતની ખરાબ આદતો વધી હોવાનું જણાવ્યું છે. આ લોકોમાંથી માત્ર ૩૧ ટકાએ આ આદતો છોડી દેવાની તૈયારી દર્શાવી હતી. લગભગ પાંચમા ભાગના (૧૭ ટકા) લોકોએ સપ્તાહમાં ૧૪ યુનિટથી વધુ (આશરે વાઈનની બે બોટલ) યુનિટ્સ આલ્કોહોલ લેવાની શરુઆત કરી હતી જ્યારે, ૯ ટકાએ ધૂમ્રપાન શરુ કર્યું હતું. ૩૫થી ૪૪ વયજૂથમાં આ અનુક્રમે ૨૦ ટકા અને ૧૩ ટકામાં આ સામાન્ય હતું. ત્રીજા ભાગના (૩૩ ટકા) મતદારોએ કહ્યું હતું કે લોકડાઉન શરુ થયા પહેલાની સરખામણીએ તેમની ખાવાની આદતો ખરાબ- ઓછી સ્વાસ્થ્યપ્રદ છે. વિદ્યાર્થીઓ અને ૧૮-૨૪ વયજૂથના લોકો અનુક્રમે ૪૭ ટકા અને ૪૯ ટકા સાથે આ ટ્રેન્ડમાં મોખરે છે.

ઓનલાઈન ફિટનેસ ક્લાસીસમાં વધારો અને કસરતો માટે બહાર જવાના સરકારના પ્રોત્સાહન છતાં, ૩૦ ટકાએ લોકડાઉનમાં ઓછાં સક્રિય હોવાનું જણાવ્યું હતું, લંડનમાં આ પ્રમાણ ૩૯ ટકા હતું. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સનો ‘કોરોના વાઈરસ એન્ડ ધ ઈમ્પેક્ટ્સ ઓન ગ્રેટ બ્રિટન’ ડેટા જણાવે છે કે વાઈરસના કારણે ૪૨ ટકા લોકો સામાન્ય વ્યાયામ કરી શકતા ન હતા. લોકોની ઊંઘ પણ નબળી રહી હતી. ૨૯ ટકાએ તેઓ લોકડાઉન દરમિયાન બરાબર ઊંઘી શકતા ન હોવાની ફરિયાદ કરી હતી જ્યારે, ૬૭ ટકાએ સારી ઊંઘ મેળવવા વધારાના પ્રયાસો પણ કર્યા ન હતા. પુરુષોમાં આ દર વધારે એટલે કે ૭૩ ટકા હતો. યુકેની વસ્તીના લગભગ અડધા (૪૦ ટકા) લોકો મોડાં ઉઠતાં હતાં અને ૩૪ ટકા લોકો મોડી રાત સુધી જાગતાં હતાં.

આમ છતાં, લોકો પોતાના માનસિક આરોગ્યને પ્રાથમિકતા આપે છે જેમાં, વિદ્યાર્થીઓ (૬૩ ટકા) સૌથી મોખરે અને નિવૃત્ત લોકો (૩૬ ટકા) સોથી છેલ્લે રહ્યા હતા. દેશના અડધોઅડધ (૪૫ ટકા) લોકોએ લોકડાઉનના ગાળામાં માનસિક આરોગ્ય જાળવવા વધુ પગલાં લીધા હતા, જેમાં વોટ્સએપ ગ્રૂપમાંથી સલાહ મેળવવી (૧૪ ટકા), યુટ્યુબ વીડિઓ ફોલો કરવા (૮ ટકા) અને સ્માર્ટફોન્સની એપ્સનો ઉપયોગ (૧૦ ટકા)નો સમાવેશ થાય છે. ૧૮-૨૪ વયજૂથના લોકોએ સ્માર્ટફોન્સની એપ્સનો ઉપયોગ (૧૨ ટકા) કરવાના બદલે ડાયરી લખવાને (૧૭ ટકા) વધુ પસંદગી આપી હતી.

અગ્રણી બિહેવિયોરલ ઈકોનોમિસ્ટ ડેનિસ હેમ્પસનના જણાવ્યા મુજબ આપણી જીવનશૈલી અચાનક ખોરવાઈ જાય તેનાથી આપણી દિનચર્યા અને આદતો હલબલી જાય છે. લોકડાઉનમાં જીવનની અસ્પષ્ટતાએ લોકોને વધુ આરામ જણાય તેવી નવી આદતો તરફ વાળી દીધા છે. લોકડાઉને આપણા આરોગ્ય સામે જોખમમાં નવું સ્થાન મેળવી લીધું છે. Your.MDના સીઈઓ અને સહસ્થાપક મેટેઓ બેર્લુચ્ચીએ જણાવ્યું હતું કે આ ડેટા લોકોને તૈમની પ્રાથમિક કાળજી પર અંકુશ મેળવવાની જરુરિયાત સમજાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter