લંડનઃ કોઈ પણ સમાજ અને રાષ્ટ્ર માટે સમૃદ્ધિની પારાશીશી તેના નાગરિકોનાં આરોગ્યને ગણવામાં આવે છે. આ બાબતે બ્રિટન સદનસીબ છે કે તેની પાસે નેશનલ હેલ્થ સર્વિસ (NHS) જેવી મહત્ત્વપૂર્ણ સંસ્થા છે, જે ૭૦ વર્ષે પણ અડીખમ છે. પાંચ જુલાઈ, ૧૯૪૮ના દિવસે તત્કાલીન હેલ્થ સેક્રેટરી એન્યુરિન બીવનના હસ્તે માન્ચેસ્ટરમાં પાર્ક હોસ્પિટલ (જે આજે ટ્રેફોર્ડ જનરલ હોસ્પિટલના નામે ઓળખાય છે) ખાતે NHS ને લોન્ચ કરવામાં આવી હતી. તેના સ્થાપક બીવને તેને સામાજિક સેવામાં વિશ્વમાં સૌપ્રથમ મહાન પ્રયોગ તરીકે ગણાવી હતી. બ્રિટિશરો NHSને ચાહે છે કારણકે તે તેમના આરોગ્ય અને સ્વાસ્થ્યની ચિંતા કરે છે. બ્રિટનની સામાજિક ચેતનામાં એનએચ એસનું અનન્ય સ્થાન છે. વ્યક્તિની સંપત્તિ કે સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના જ આ સંસ્થા સમગ્ર સમાજને સેવા આપે છે. તેનો સિદ્ધાંત જ તમામને આરોગ્યસંભાળ પૂરી પાડવાનો રહ્યો છે.
એક છત્ર હેઠળ તબીબી સેવાનું એકત્રીકરણ
સૌપ્રથમ વખત પોઈન્ટ ઓફ ડિલિવરી ખાતે નિઃશુલ્ક સેવા આપવા હોસ્પિટલ્સ, ડોક્ટર્સ, નર્સીસ, ફાર્માસિસ્ટ્સ, ઓપ્ટિશિયન્સ, ડેન્ટિસ્ટ્સ એક છત્ર હેઠળ એકત્ર કરવામાં આવ્યા હતા. ગત ૭૦ વર્ષનાં ઈતિહાસમાં NHSદ્વારા દેશના આરોગ્ય અને કલ્યાણનું રુપાંતર કરી નાખ્યું છે અને વિશ્વના અન્ય દેશોને ઈર્ષાનજરે જોતા કરી દીધા છે. સંસ્થા દ્વારા જાહેર આરોગ્યને વ્યાપક તબીબી પ્રગતિ અને સુધારાઓની દેન આપવામાં આવી છે જેના કારણે નાગરિકોના આયુષ્યમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
NHSના કારણે જ આપણે પોલિયો અને ડિપ્થેરિયા જેવા રોગોને નાબૂદ કરી શક્યા છીએ તેમજ વિશ્વના સૌપ્રથમ ફેફસા, હાર્ટ અ્ને લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી નવી સારવારોના ક્ષેત્રે પ્રણેતા બની શક્યા છીએ. તાજેતરમાં જ આપણે સ્ટ્રોકમાંથી જીવતદાનનું પ્રમાણ સુધારતી મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી, દૃષ્ટિ પુનઃસ્થાપિત કરવા બાયોનિક આઈ તેમજ હાથના ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જિકલ સફળતાઓ પણ આપણને NHSથકી જોવા મળી છે. યુએસ તથા અન્ય દેશોથી વિપરીત, યુકેમાં NHS વિશાળ સુગ્રથિત હેલ્થ સિસ્ટમ છે, જ્યાં પેશન્ટ મંજૂરી આપે તો જન્મ પછી તેમના એક જ NHS નંબરથી ટ્રેક કરી શકાય છે. જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમની જરૂરિયાતો પણ વધુ જટિલ બનતી જાય છે. આ સંજોગોમાં આરોગ્યસંભાળ કેવી રીતે પૂરી પાડવી તેનો મુદ્દો પુનઃ વિચારણા માગી લે છે. જોકે, આ ૭૦ વર્ષની મજલમાં આપણી હેલ્થ સિસ્ટમે નાનુ કાર્ય કર્યું નથી.
દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
સમગ્ર દેશમાં NHSની ૭૦ વર્ષની ઉજવણી નિમિત્તે સંસ્થાને માર્ગદર્શન અને સપોર્ટ આપતા ‘દૈનિક હીરોઝ’ને બિરદાવવાના હેતુસર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પાર્લામેન્ટના બે ગૃહો અને કોર્નવેલમાં એડન પ્રોજેક્ટ સહિત પ્રસિદ્ધ લેન્ડમાર્ક્સ પર NHS નો લોગો જોવા મળ્યો હતો.
વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આ નિમિત્તે સર્વિસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટ, હેલ્થ સર્વિસના વડા સિમોન સ્ટીવન્સ અને કાઉન્ટેસ ઓફ વેસેક્સ સહિત ૨૨૦૦ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. સ્ટીવન્સે હેલ્થ સર્વિસના ૧.૫ મિલિયન સ્ટાફના કૌશલ્ય, સેવા અને સમર્પણને બિરદાવ્યા હતા.
વેલ્સમાં લાન્ડાફ કેથેડ્રલ ખાતે યોજાયેલી સર્વિસમાં પ્રન્સ ચાર્લ્સ ઉપસ્થિત રહ્યા હતા. ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ NHS ના ૭૦ વર્ષની ઉજવણી નિમિત્તે નેશનલ મ્યુઝિયમ ઓફ સ્કોટલેન્ડ ખાતે સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન અને લોર્ડ પ્રોવોસ્ટ ફ્રાન્ક રોસ સાથે સર્વિસ-પ્રાર્થના સમારોહમાં જોડાયા હતા. આ કાર્યક્રમ અગાઉ તેમણે એડિનબરા કેસલમાં એન્યુઅલ સર્વિસ ઓફ કમેમરેશન માટે સ્કોટિશ નેશનલ વોર મેમોરિયલમાં હાજરી આપી હતી.
ફૂવારાનો જળપ્રવાહ ભૂરા રંગે રંગાયો
નેશનલ હેલ્થ સર્વિસની ૭૦મી વર્ષગાંઠની ઉજવણીઓ નિમિત્તે વેલ્વીન ગાર્ડન સિટીના કોરોનેશન ફાઉન્ટનનો રંગ ભૂરો કરી દેવાયો છે. આ રુપાંતર માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સિટીના હેલ્થ સર્વિસના સેંકડો કર્મચારી અને દરેક સ્થાનિક સેવાનામ પ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સમગ્ર જુલાઈ મહિના માટે આ ફૂવારો અને તેમાંથી વીંઝાતો જળપ્રવાહ બ્લૂ રંગનો જોવાં મળશે.
દર દાયકે નર્સીસના ડ્રેસ પણ બદલાયા
૭૦ વર્ષ અગાઉ, નેશનલ હેલ્થ સર્વિસની સ્થાપના થઈ તે પછી તો તબીબીક્ષેત્રે મોટી હરણફાળો ભરી છે. આ જ રીતે, દર દાયકે નર્સીસના ડ્રેસ પણ બદલાતા રહ્યા છે. ટ્રોફોર્ડ જનરલ હોસ્પિટલ ખાતે નવ નર્સ દ્વારા દરેક દાયકામાં જે યુનિફોર્મનો ઉપયોગ થયો હોય તે પહેરીને તસવીરો ખેંચાવી હતી. ધ્યાન ખેંચે તેવા યુનિફોર્મ્સમાં બ્લુ અને વ્હાઈટ રંગ જ મુખ્ય છે. જોકે, આ સમાનતા અહીં જ પૂરી થાય છે. પિનાફોર્સ, માથા પરની કેપ અને ડ્રેસ એક પછી એક પડતા મૂકાતા રહ્યાં છે. વર્તમાન કાળમાં આરામદાયક ટ્રાઉઝર્સ અને તે જ રંગના જેકેટનો ઉપયોગ થઈ રહ્યો છે.
પટેલ અટક સાથે ૧,૭૨૪ ડોક્ટર્સ
NHS એવી સંસ્થા છે જે ભારતીય ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય હેલ્થ પ્રોફેશનલ્સના અસામાન્ય પ્રદાન વિના કદી સફળ થઈ શકી ન હોત. નેશનલ હેલ્થ સર્વિસ ૧.૫ મિલિયનથી વધુ સ્ટાફ સાથે વિશ્વમાં સૌથી મોટા નોકરીદાતાઓમાં સ્થાન ધરાવે છે. અત્યારે આ સંસ્થામાં ૧૮,૦૦૦થી વધુ ભારતીય નાગરિકો કામગીરી બજાવે છે, જે નોન-બ્રિટિશ સ્ટાફમાં સૌથી મોટું જૂથ છે. NHS ના ડોક્ટરોમાં ત્રીજો હિસ્સો ભારતીય મૂળના વ્યક્તિ છે. આ વર્ષની શરૂઆતમાં ધ રોયલ કોલેજ ઓફ જીપીસ દ્વારા NHS માં વિદેશીઓ અને વિશેષતઃ સાઉથ એશિયન સ્ટાફના પ્રદાનને ઉજવતું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં નોંધનીય બાબત એ જોવાં મળી હતી કે જનરલ મેડિકલ કાઉન્સિલના રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સની યાદીમાં બીજા સ્થાને પટેલ અટક સાથે ૧,૭૨૪ ડોક્ટર્સ હતા, જ્યારે સ્મિથ અટક સાથેના ૧૭૫૦ ડોક્ટર્સ સૌથી મોખરે હતા. સાઉથ એશિયન ડોક્ટરોએ બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસને ગતિશીલ બનાવી રાખી છે, જેના મીઠાં ફળ બ્રિટિશ નાગરિકો ચાખી રહ્યા છે.