યુકેમાં કોવિડ-૧૯નાં પહેલા મોજામાં ૪૦,૦૦૦ના મોતની ચેતવણી અપાઈ

Sunday 19th April 2020 01:00 EDT
 
 

લંડનઃ વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ અધિકારી અને યુનિવર્સિટી કોલેજ લંડનના જાહેર આરોગ્ય નિષ્ણાત પ્રોફેસર એન્ખોની કોસ્ટેલોએ ચેતવણી આપી છે કે કોરોના રોગચાળાના પ્રથમ મોજામાં યુકેમાં ૪૦,૦૦૦ના મોત થઈ શકે છે. સરકારના ઢીલા પ્રત્યાઘાતની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે નેશનલ ટોલરન્સ સર્જાય તે પહેલા બ્રિટનને જીવલેણ બીમારીના આવા ૧૦ મોજાં સહન કરવા પડી શકે છે.

બ્રિટનમાં ૧૭ એપ્રિલે મૃતકોની સંખ્યા ૧૪,૫૭૬ નોંધાઈ હતી અને સતત છ દિવસ સુધી રોજ લગભગ ૯૦૦ મોત થયા છે. યુકેમાં સૌથી વધુ ૯૮૦ મોત ૧૦ એપ્રિલે નોંધાયા છે. આઠ એપ્રિલથી ૧૧ એપ્રિલના ચાર દિવસના ગાળામાં ૩,૭૧૬ લોકોના મોત થયા હતા. જોકે, હોસ્પિટલોમાં મોતની નોંધણીમાં વિલંબ અને કેર હોમ્સમાં મૃત્યુ ગણતરીમાં લેવાની નિષ્ફળતાથી હજુ હજારો મોત નોંધાયા વિનાના હોય તેવી ચિંતા સેવાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના આંકડા મુજબ માત્ર ૨૪ કલાકમાં નવા ૫,૫૯૯ કેસના ભારે ઉછાળા સાથે ૧૦૮,૬૯૨ બ્રિટિશર કોરોનાથી ચેપગ્રસ્ત છે.

હાઉસ ઓફ કોમન્સ હેલ્થ સિલેક્ટ કમિટી સમક્ષ પ્રોફેસર કોસ્ટેલોએ જણાવ્યું હતું કે,‘રોગચાળાનો પહેલો તબક્કો પૂર્ણ થવા સુધીમાં ૪૦,૦૦૦ મોત થઈ શકે છે. દેશમાં હર્ડ ઈમ્યુનિટીનું નિર્માણ થાય તે પહેલાં છ વધુ મોજાં કે તબક્કામાં ઓછામાં ઓછાં ૪૦ મિલિયન અથવા ૬૦ ટકા બ્રિટિશર ચેપગ્રસ્ત બની જશે.’ પ્રોફેસર કોસ્ટેલોએ ડચ અભ્યાસ તરફ ધ્યાન દોરતા કહ્યું હતું કે માત્ર ત્રણ ટકા લોકોમાં ઈન્ફેક્શન સામે લડવા શરીર દ્વારા પેદા કરાતા એન્ટિબોડીઝ વિકસ્યા છે. ચીફ સાયન્ટિફિક એડવાઈઝર સર પેટ્રિક વોલન્સે પણ વાઈરસના પ્રસારને ધીમો પડવા મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થવા જરૂરી હોવાનું કહ્યું હતું. હર્ડ ઈમ્યુનિટીમાં સામૂહિક ઈમ્યુનિટી હાંસલ કરવા અને ભવિષ્યમાં વાઈરસના હુમલાઓને ખાળવા વિશાળ પાયા પર લોકોને વાઈરસથી સંક્રમિત થવા દેવાય છે

ધ ઈમ્પિરિયલ કોલેજ લંડનના વિજ્ઞાનીઓએ અંદાજ મૂક્યો હતો કે વાઈરસના પ્રસારને રોકવાના સખ્ત પગલાંના પરિણામે આશરે ૨૦,૦૦૦ની આસપાસ મૃત્યુ થશે. બીજી તરફ, વિશ્વના અગ્રણી વિજ્ઞાનીઓએ યુકેમાં ૬૦,૦૦૦થી વધુ મોત અને યુરોપમાં સૌથી ખરાબ હાલત સાથેના દેશ તરીકે આગાહી કરી છે. જોકે, આ પછી, વોશિંગ્ટન યુનિવર્સિટીની ટીમે તેની આગાહી સુધારીને ૨૩,૦૦૦ના મોતની કરી છે જે, નંબર ૧૦ના સલાહકારોના અંદાજની નજીક છે. બ્રિટિશ ધરતી પર રોગચાળાએ ૨૮ ફેબ્રુઆરીએ પગ મૂક્યાના એક મહિના પછી ૨૩ માર્ચે લોકડાઉનની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter