લંડનઃ યુકેમાં પ્રતિબંધિત કરાયેલી ગ્રેસ્બી સીરિન્જ ડ્રાઈવર ભારત, સાઉથ આફ્રિકા અને નેપાળમાં મોકલી અપાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સીરિન્જનો વપરાશ અસલામત હોવા વિશે છેક ૧૯૯૫થી હોબાળો થતો હતો, જેના પગલે બ્રિટિશ નેશનલ હેલ્થ સિસ્ટમ (NHS) દ્વારા ૨૦૧૦થી તેનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાયો હતો. આ અસલામત સીરિન્જ્સનો ઉપયોગ ભારતની કેટલીક હોસ્પ઼િટલોમાં કરાયાની શક્યતા સન્ડે ટાઈમ્સના અહેવાલમાં દર્શાવાઈ છે. અખબારે એમ પણ જણાવ્યું ૩૦ વર્ષના ગાળા દરમિયાન NHS માં થયેલાં મૃત્યુમાં આ સીરિન્જ પમ્પ્સને કારણભૂત ગણાવાયા હતા.
અખબારી અહેવાલ અનુસાર પ્રતિબંધિત ગ્રેસ્બી સીરિન્જ ડ્રાઈવર્સ ભારત, સાઉથ આફ્રિકા અને નેપાળ સહિતના દેશોમાં હોસ્પિસીસ અને તબીબી સંસ્થાઓને મોકલવામાં આવી હતી. આ સીરિન્જોને NHSમાંથી તબક્કાવાર બંધ કરી દેવાઈ હતી. ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં આ સીરિન્જ પર પ્રતિબંધ છે, પરંતુ NHSમાં તેનો ઉપયોગ ૨૦૧૫ સુધી ચાલુ રહ્યો હતો. ગયા મહિને જ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે બ્રિટનમાં પ્રતિબંધિત ગ્રેસ્બી સીરિન્જ ડ્રાઈવર્સનો ઉપયોગ ન થાય તેની કાળજી લેવા મેડિકલ ડાયરેક્ટર્સને સૂચના આપી હતી.
અખબાર દ્વારા તપાસમાં જણાયું હતું કે ડિસેમ્બર ૨૦૧૧માં આઈલ ઓફ વાઈટ NHS ટ્રસ્ટ દ્વારા એક નોટિસ જારી કરાઈ હતી, જેમાં સ્ટાફને સલાહ અપાઈ હતી કે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના એલર્ટના અમલરુપે તમામ Graseby MS 16 અને MS 26 સીરિન્જ ડ્રાઈવર બદલવામાં આવશે. તેમાં એમ પણ જણાવાયું હતું કે આ સીરિન્જ ડ્રાઈવર્સ થર્ડ વર્લ્ડ ચેરિટીને દાનમાં આપવામાં આવશે.
કેટલાક દાન ઔપચારિક હતા. ઈંગ્લેન્ડના સમરસેટની એક નર્સે તેના ૨૦૧૪ના બ્લોગમાં જણાવ્યું હતું કે ભારતમાં એક હોસ્પિસમાં સેવા આપવા ગઈ ત્યારે તેને ઘણાં ગ્રેસ્બી સીરિન્જ ડ્રાઈવર્સ લઈ જવા દેવાયાં હતાં. આ જ વર્ષમાં નેપાળમાં મેડિકલ ચેરિટી કાર્યમાં હાજરી આપવા ગયેલા અન્ય ડોક્ટરે પણ તેને આ સીરિન્જ ડ્રાઈવર્સ અપાયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
સેફ્ટી ચેરિટી એક્શન અગેઈન્સ્ટ મેડિકલ એક્સિડન્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ પીટર વોલ્શે જણાવ્યું હતું કે વિશ્વમાં કોઈ પણ સ્થળે પેશન્ટ્સની સલામતી યુકે માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. સંબંધિત દેશો અને સંસ્થાઓને આવા ચોક્કસ ઉપકરણોનાં જોખમોથી માહિતગાર ન કરાયા હોય તે મોટી ચિંતાનો વિષય છે.
આ પમ્પ દવાના જોખમી ડોઝને ઝડપથી રક્તપ્રવાહમાં ધકેલે છે. આ બે પ્રકારની સીરિન્જ હેમ્પશાયરની ગોસ્પોર્ટ વોર મેમોરિયલ હોસ્પિટલમાં પણ વપરાઈ હતી, જ્યાં ડો. જેન બર્ટને ૧૯૮૮થી ૨૦૦૦ના ગાળામાં કામ કર્યું હતું. અફીણ આધારિત ડ્રગ્સના ઉપયોગથી ૬૫૦ જેટલાં દર્દીના મોત અંગે તેઓ જવાબદાર હોવાનું ગયા મહિને બહાર આવ્યું હતું.
યુકે રોટરી ક્લબ્સ દ્વારા ૨૦૧૧માં આયોજિત પ્રોજેક્ટમાં ૧૦૦થી વધુ ગ્રેસ્બી સીરિન્જ ડ્રાઈવર્સ ‘Abundant Life’ પ્રોગ્રામ હેઠળ સાઉથ આફ્રિકા મોકલાયા હતા. રોટરી ઈન્ટરનેશનલ ઈન ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડ દ્વારા જણાવાયું હતું કે NHS દ્વારા પ્રોગ્રામ હેઠળ આ ડોનેશન શુભ ભાવનાથી કરાયું હતું, જેનાથી સેંકડો લોકોને મદદ મળી હતી.