લંડનઃ મહિલાઓમાં થતાં ગર્ભાશયના કેન્સરના ઝડપી નિદાન માટે વધુ એક શોધ થઇ છે. એક સરળ ટેસ્ટ પણ ગર્ભ કેન્સરનું નિદાન કરવા સક્ષમ છે. હા, સાદો યુરિન ટેસ્ટ પણ વજાઇનલ સ્વેબને ડિટેક્ટ કરીને ગર્ભ કેન્સરનું નિદાન કરી શકે છે. આ પદ્ધતિમાં માઈકોસ્ક્રોપની મદદથી નિદાન થઇ શકે છે.
બ્રિટન સહિત વિશ્વભરની મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આ ટેસ્ટ ઝડપી નિદાનમાં બહુ ઉપયોગી સાબિત થઇ શકે છે. યુરિન ટેસ્ટથી પણ ગર્ભાશયના કેન્સરના નિદાનની શક્યતાને ચકાસવા સંશોધકોએ નવી નિદાન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. જેના થકી તેમણે ગર્ભાશયના કેન્સરના 103 કેસ પૈકી 98 કેસ શોધી કાઢ્યા હતા. આ પદ્ધતિની મદદથી સંશોધકો જે દર્દી ગર્ભાશયનું કેન્સર ધરાવતા નહોતા તેમનું પણ 88.9 ટકા સાચું નિદાન કરી શક્યા હતા.
વિશ્વભરની મહિલાઓ સામાન્યપણે ગર્ભાશયના કેન્સરથી પીડાતી હોય છે. 2018માં વિશ્વમાં 3.82 લાખ કેસનું નિદાન થયું હતું અને જ્યારે 89,900 મહિલાઓનો ભોગ લીધો હતો. ગર્ભાશયના કેન્સરની જેટલી જલ્દી સારવાર શરૂ થાય તેટલું વધુ સારું એમ કહેવાય છે. જોકે, ગર્ભાશયનું કેન્સર વકરતું નથી ત્યાં સુધી ધ્યાને આવતું નથી. પ્રત્યેક પાંચ કેસે એક કેસના કિસ્સામાં આવું જોવા મળે છે. વર્તમાનમાં હિસ્ટ્રોસ્કોપી નામે ઓળખાતી પદ્ધતિ વડે ગર્ભાશયના કેન્સરનું નિદાન થાય છે. માંચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે નવી યુરિન ટેસ્ટ પદ્ધતિનું મોટા પાયે પરીક્ષણ થઈ જાય પછી આ પદ્ધતિને સામાન્ય ઉપયોગમાં પણ લાવવી જોઈએ.