યુરોપમાં ઓબેસિટીની સમસ્યા વકરી રહી છે

Friday 13th May 2022 06:46 EDT
 
 

લંડન: યુરોપિયન દેશોમાં સ્થૂળતા (ઓબેસિટી) એક વ્યાપક બીમારી બની ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના એક રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. આ રિપોર્ટમાં રજૂ કરેલા સંશોધન પ્રમાણે, યુરોપમાં વધુ વજન અને સ્થૂળતાનો દર ઘાતક સ્તરે પહોંચી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ 12 વર્ષ પહેલાં નક્કી કર્યું હતું કે 2025 સુધીમાં સ્થૂળતાનો દર વધતો રોકી લેવાશે. જોકે કોઈ પણ યુરોપિયન દેશના આંકડા આ લક્ષ્ય હાંસલ કરી શકે એવી શક્યતા જણાતી નથી.
આ રિપોર્ટ પ્રમાણે, વાર્ષિક બે લાખ કેન્સર દર્દીઓનો સીધો સંબંધ ઓબેસિટી સાથે છે. આ આંકડા આગામી દેશોમાં આવનારા દસકામાં વધશે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, કેટલાક યુરોપિયન દેશોમાં તો એવું અનુમાન છે કે, ધુમ્રપાનને પાછળ છોડીને સ્થૂળતા કેન્સરનું મોટું કારણ બની જશે. હાલ બ્રિટન, તૂર્કી, માલ્ટા સહિત ઈઝરાયલમાં પણ કેન્સરના સૌથી વધુ દર્દી છે. ડબલ્યુએચઓના મતે, સ્થૂળતાનો સામનો કરી રહેલા લોકોએ કોરોના મહામારીના પણ નકારાત્મક પરિણામો ભોગવવા પડ્યા છે. તેના કારણે તેમના આરોગ્ય પર કાયમી નકારાત્મક અસર પડે છે, જેને બદલવા પ્રયાસ કરવા પડશે. સ્થૂળતાના કારણો બિનઆરોગ્યપ્રદ ખોરાક અને શારીરિક નિષ્ક્રિયતાથી અનેકગણા વધારે જટિલ છે.
યુરોપિયન કોંગ્રેસના રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં અમેરિકા પછી સ્થૂળતાના સૌથી વધુ દર્દી યુરોપમાં છે. યુરોપમાં 24 ટકા મહિલાઓ જ્યારે 22 ટકા પુરુષો સ્થૂળતાના શિકાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter