યુવાન ઠક્કરઃ NHSમાં ક્રાંતિકારી CAR-T કેન્સર સારવાર મેળવનાર પ્રથમ બાળદર્દી

લંડનની ગ્રેટ ઓરમોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ (GOSH)માં આ નવતર પાયારુપ સારવારઃ એક્યુટ લીમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમીઆ દર વર્ષે આશરે ૬૦૦ લોકોને અસર કરે છે, જેમાં મુખ્યત્વે બાળકો હોય છે.

Wednesday 06th February 2019 01:20 EST
 
 

લંડનઃ બ્લડ કેન્સર (Acute lymphoblastic leukaemia)ના વિશિષ્ટ પ્રકારથી પીડાતા ૧૧ વર્ષના યુવાન ઠક્કર કેન્સરનો સામનો કરવા માટે CAR-T થેરાપી મેળવનાર NHSનો પ્રથમ પેશન્ટ બન્યો છે. કેન્સરની પરંપરાગત સારવાર નિષ્ફળ ગયા પછી તેને લંડનની ગ્રેટ ઓરમોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ (GOSH)માં આ નવતર પાયારુપ સારવાર અપાઈ હતી.

વોટફર્ડના રહેવાસી બાળક યુવાનને ૨૦૧૪માં લ્યુકેમીઆનું નિદાન કરાયું હતું અને તેને કીમોથેરાપી અપાઈ હતી. આ પછી તેને બોન મેરો ટ્રીટમેન્ટ પણ અપાઈ હતી પરંતુ, બંને સારવાર નિષ્ફળ રહી હતી. તેના માતા-પિતા વિનય અને સપના ઠક્કરે જણાવ્યું હતું કે,‘ યુવાનને કેન્સરનું નિદાન કરાયું તે અમારાં માટે સૌથી આઘાતજનક સમાચાર હતા. ડોક્ટરો કહેતા હતા કે બાળકોમાં લ્યુકેમીઆ ૯૦ ટકા સાજા થવાની ટકાવારી ધરાવે છે. આથી, અમે આશાવાદી રહેવા પ્રયાસ કર્યો હતો. જોકે, તેની કેન્સર બીમારીએ ઉથલો માર્યો હતો.’ યુવાને સારવાર પછી જણાવ્યું હતું કે,‘હું જલ્દી સાજા થવાની આશા રાખું છું, જેથી ડેન્માર્કના લેગો હાઉસની મુલાકાત લઈ શકું. મને લોગો ગમે છે અને હું હોસ્પિટલમાં હતો ત્યારે બુગાટીનું મોટું મોડેલ બનાવી રહ્યો હતો.’

એક્યુટ લીમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમીઆ દર વર્ષે આશરે ૬૦૦ લોકોને અસર કરે છે, જેમાં મુખ્યત્વે બાળકો હોય છે. મોટા ભાગના પરંપરાગત સારવારથી સાજા થઈ જાય છે પરંતુ, ૧૦૦ ઉથલો મારે છે. ગત નવેમ્બરમાં GOSH તેમજ રોયલ માન્ચેસ્ટર ચિલ્ડ્રન્સ હોસ્પિટલ અને ન્યૂકેસલ અપોન ટાયને હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના લ્યુકેમીઆ ધરાવતા બાળકોને સારવાર આપવાની જાહેરાત કરાઈ હતી. યુવાનના ડોક્ટર અને પીડિયાટ્રિક હેમેટોલોજી કન્સલ્ટન્ટ ડો. સારા ઘોરાશિઆને જણાવ્યું હતું કે,‘યુવાન જેવા પેશન્ટ્સને સાજા થવાની વધુ એક તક આપી શકવાનો અમને આનંદ છે. આ નવી શક્તિશાળી સારવારનું સંપૂર્ણ પરિણામ બહાર આવતા સમય લાગશે પરંતુ, ક્લિનિક્લ ટ્રાયલ્સમાં તેના આશાસ્પદ પરિણામો જોવાં મળ્યાં છે. તેનાથી મદદ મળશે તેવી અમને આશા છે.’

CAR-T (chimeric antigen receptor ) થેરાપીમાં પેશન્ટના ઈમ્યુન સેલ્સ દૂર કરવામાં આવે છે તેમજ તેઓ કેન્સરના કોષોની ઓળખ કરી શકે તે માટે તેમાં સુધારાવધારા કરવામાં આવે છે. કીમરિઆહ તરીકે પણ ઓળખાતી સારવારનો ખર્ચ પેશન્ટદીઠ ૨૮૨,૦૦૦ પાઉન્ડ આવે છે. જોકે, NHS દ્વારા સારવારના ઉત્પાદક નોવાર્ટિસ સાથે વાટાઘાટ કરી પ્રાઈસ ઓછી કરાવાઈ હતી. આ સારવાર પદ્ધતિ માટેના નાણા કેન્સર ડ્રગ્સ ફંડમાંથી આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter