લંડનઃ ગત 10 વર્ષમાં ડાયાબિટીસના કારણે અંગછેદ કરાવવો પડ્યો હોય તેવા યુવાન દર્દીઓની સંખ્યા ત્રણ ગણી થઈ છે. જોકે, આ સંખ્યા વધારે હોવાનું પણ મનાય છે કારણકે મહામારીના કારણે નિદાન અને અંગછેદનમાં બેકલોગ વધ્યો હતો. NHSના કહેવા અનુસાર ડાયાબિટીસ ધરાવતા યુવાન દર્દીઓ માટે અંગછેદ અથવા તો એમ્પ્યુટેશન્સનું જોખમ 15 ગણું રહે છે. રેકોર્ડ્સ મુજબ ગયા વર્ષે જ 29થી ઓછી વયના 17 લોકોએ તેમના અંગ કપાવવા પડ્યા હતા. આ સંખ્યા 2009-10 માં માત્ર 2 હતી જે વધીને 2011-12માં 6 થઈ હતી.
NHSનું કહેવું છે કે દર્દીઓના શરીર ટિસ્યુઓના નુકસાનને પહેલા જેવું રીપેર કરી ન શકવાના લીધે ડાયાબિટીસ ધરાવતા યુવાન દર્દીઓ માટે એમ્પ્યુટેશન્સના જોખમની શક્યતા 15 ગણી રહે છે. ડાયાબિટીસ ટાઈપ-ટુ કરતાં ડાયાબિટીસ ટાઈપ-1માં એમ્પ્યુટેશન્સનું જોખમ વધુ રહે છે. હેન્ટ્સ, ફ્રિમ્લેની લ્યુસી નાઝીરને 14 વર્ષની વયે ડાયાબિટીસ ટાઈપ-1નું નિદાન કરાયું હતું અને 35 વર્ષની વય સુધીમાં તેને બંને પગ કપાવવા પડ્યાં હતાં. તેને 2016માં ઘૂંટીએ ફ્રેક્ચર થવાથી જમણો પગ ગુમાવવો પડ્યો હતો અને 2019માં આ જ કારણથી ડાબો પગ કપાવવો પડ્યો હતો.
એમ્પ્યુટેશન ચેરિટી સ્ટીલ બોન્સના એમ્મા જોય-સ્ટેઈન્સ કહે છે કે તેમના અભ્યાસના તારણો ઘણા ચિંતાજનક છે. ડાયાબિટીસ સંબંધિત એમ્પ્યુટેશન્સની સંખ્યા 10 વર્ષમાં વધીને ગયા વર્ષે 2,912 થઈ હતી. ડાયાબિટીસ યુકેના એસ્થર વોલ્ડેન કહે છે કે ડાયાબિટીસ ધરાવતા લોકોની સંખ્યા ભારે ઝડપથી વધી રહી છે અને એક અંદાજ મુજબ યુકેમાં આશરે 4.9 મિલિયન લોકોને ડાયાબિટીસ છે.