ન્યૂ યોર્ક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સ (યુએન)ના હેડ ક્વાર્ટર ખાતે 180 દેશોના પ્રતિનિધિઓ સાથે યોગ કરીને નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. યુએન હેડ ક્વાર્ટરમાં 180 દેશના પ્રતિનિધિઓએ એકસાથે યોગાસન કરીને વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો તો ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં દોઢ લાખથી વધુ લોકોએ એકસાથે યોગ કરીને ગિનેસ બુકમાં સ્થાન મેળવ્યું હતું.
યુએન વડા મથકે વડા પ્રધાન મોદીએ ‘નમસ્તે’થી સંબોધનનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, તમને સૌને જોઈને મને ઘણો આનંદ થયો છે. આજે અહીં લગભગ દરેક દેશનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે. યોગ ભારતમાંથી આવ્યા પણ તે કોપીરાઇટ, રોયલ્ટી, પેટન્ટ વગેરેથી મુક્ત છે. યોગ ભારતની બહુ પ્રાચીન પરંપરા છે. વળી, કોઈ પણ ઉંમરના લોકો યોગ કરી શકે છે. ઘરે કામ દરમિયાન કે બહાર પણ યોગ કરી શકાય છે. એકલા પણ યોગ કરી શકો, ગ્રૂપમાં પણ કરી શકો છો. યોગ તમારી ઉંમર, જાતિ અને ફિટનેસ લેવલ સાથે એડેપ્ટેબલ પણ છે. યોગ યુનિવર્સલ છે.
સંબોધન બાદ મોદી લોકોની વચ્ચે જઈને યોગ કરવા બેઠા હતા. હોલિવૂડના મશહૂર અભિનેતા રિચર્ડ ગેર મોદીની બાજુમાં બેઠા હતા. યોગ પહેલાં ઓમનું ઉચ્ચારણ કરાયું હતું. મોદીએ ભદ્રાસન, ભુજંગાસન સહિત વિવિધ યોગાસન કર્યા હતા.
યોગ દિવસની ઉજવણીમાં યુએનના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ દેશોના રાજદૂતો તથા અમેરિકી સેલિબિટીઝ પણ જોડાઈ હતી, જેમાં યુએન જનરલ એસેમ્બલીના 77મા સેશનના પ્રેસિડેન્ટ કસાબા કોરોસી, ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સ અને યુએનના ડેપ્યુટી સેક્રેટરી જનરલ અમિના મોહમ્મદ પણ સામેલ હતા.