તન અને મનનું સંતુલન એટલે યોગ. યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે. જે મન અને શરીર વચ્ચે સદ્દભાવ લાવવાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યોગની લોકપ્રિયતા આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ વધારે છે.
યોગ શું છે? યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યાં સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બેમાં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. યોગ માટે ઓશો કહે છે કે, ‘યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા.
યોગ એક પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે - રાજપથ. ધર્મ એક એવું બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે. રોગનિવારણ, સદાબહાર સ્વાસ્થ્ય અને જીવનશૈલી સાથે સંકળાયેલી ઘણી બધી વિકૃતિઓને દૂર કરવામાં યોગ અનેક પ્રકારે અસરકારક છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે આવો આપણે જાણીએ કે તે કઈ રીતે આપણા માટે અનેકવિધ રીતે ઉપકારક છે. જેમ કે,
• યોગાસનોનો સહુથી મોટો ગુણ છે કે તે સહજ સાધ્ય અને સર્વસુલભ છે. યોગાસન એવી વૈજ્ઞાનિક વ્યાયામ પદ્ધતિ છે જેમાં ન કંઇ વિશેષ ગુમાવવાનું છે કે ન તો આવશ્યકતા છે ખાસ સાધન-સામગ્રીની.
• આસનોમાં જ્યાં માંસપેશીઓને ખેંચવાની ક્રિયાઓ કરવી પડે છે, ત્યાં બીજી તરફ તણાવ-ખેંચાણ દૂર કરવાની ક્રિયા પણ કરવામાં આવે છે. જેનાથી શરીરનો થાક દૂર થાય છે અને આસનોમાં વ્યય થયેલી શક્તિ પરત મળે છે. શરીર અને મનને તાજગીની સાથે આધ્યાત્મિક લાભ પણ થાય છે.
• યોગાસનો દ્વારા પેટની યોગ્ય સફાઇ થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે.
• યોગાસન સ્ત્રીઓની શરીર રચના માટે વિશેષ અનુકૂળ છે. યોગાસન કરતી સ્ત્રીમાં સુંદરતા અને સુઘડતાનો ઉમેરો થાય છે.
• યોગાસનો દ્વારા બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને ધારણાશક્તિને નવી સ્ફૂર્તિ અને તાજગી મળે છે.
• યોગાસન શ્વાસ ક્રિયાનું નિયમન કરે છે, હૃદય અને ફેફસાને બળ પૂરું પાડે છે, લોહી શુદ્ધ કરે છે અને મનમાં સ્થિરતા ઉત્પન્ન કરી સંકલ્પ શક્તિ વધારે છે.
• યોગાસન શારીરિક સ્વાસ્થ્ય માટે વરદાન છે કારણ કે તેનાથી શરીરના સમસ્ત ભાગો પર પ્રભાવ પડે છે અને તે પોતાના કાર્યો સારી રીતે કરી શકે છે.
• આસનો દ્વારા નેત્રોની જ્યોતિ વધે છે. આસનોનો નિરંતર અભ્યાસ કરતી વ્યક્તિને ચશ્માની જરૂર રહેતી નથી.
• આસન રોગ વિકારોને નષ્ટ કરે છે, રોગો સામે રક્ષણ કરે છે, શરીરને નિરોગી, સ્વસ્થ અને બળવાન બનાવી રાખે છે.
• યોગાસનથી શરીરના પ્રત્યેક અંગને વ્યાયામ મળે છે. શરીર સ્વસ્થ-સુદ્રઢ બને છે.