લેસ્ટરઃ જ્યોર્જ ઈરવિંગ નામના અમેરિકન લેખકે રિપ વાન વિન્કલ નામના પાત્ર સંબંધિત એક ટુંકી વાર્તા લખી હતી, જેમાં પાત્ર રિપ ઘરથી કંટાળીને ચાલ્યો જાય છે અને હડસન નદીના કિનારે એક વૃક્ષની છાયામાં નિંદર તાણે છે. તે જાગે છે ત્યારે બધું બદલાયેલું જણાય છે કારણકે તેની જિંદગીના ૨૦ વર્ષ છૂટી ગયાં હોય છે. આવું જ કાંઈક લેસ્ટરની સાયકોલોજીની ૨૧ વર્ષીય સ્ટુડન્ટ રહોડા રોડ્રિગ્સ ડિયાઝ સાથે થયું છે. તે ‘સ્લીપિંગ બ્યુટી સિન્ડ્રોમ’ અથવા દસ લાખમાં એક વ્યક્તિને થતી ‘ક્લેઈન-લેવિન સિન્ડ્રોમ’નો શિકાર છે. આ બીમારીના કારણે તે સતત ૨૧ દિવસ સુધી સૂતી રહી અને તેની યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષા પણ છૂટી ગઈ.
આ પરીક્ષા તેના માટે મહત્ત્વની હતી. પરીક્ષા ન આપી શકવાના કારણે તેનું એક વર્ષ બગડશે. રોડાના કહેવા મુજબ, બીમારીના કારણે તે એક દિવસમાં ૨૨ કલાક સુતી રહી. તેને ગત સપ્ટેમ્બરમાં આ બીમારી અંગે ખબર પડી હતી. તેણે તેની સારવાર પણ કરાવી છતાં કોઈ ફરક ન પડ્યો. જોકે, ડોક્ટર્સનું કહેવું છે કે રહોડાની સારવાર ચાલી રહી છે. તેની બીમારીની અસર ઉમર વધવા સાથે ધીમે-ધીમે ઓછી થઈ જશે.
તે જ્યારે ઊઠે ત્યારે કંઈક ખાવા-પીવા અને ટોઇલેટ જવા માટે જ ઉઠે, આ વખતે પણ તે અડધી તંદ્રાવસ્થામાં જ હોય છે. બાળપણથી જ તેને આ રીતે ઊંઘી જવાની સમસ્યા થતી આવી છે, પરંતુ હવે એની ફ્રીક્વન્સી વધી ગઈ છે. તે ગમે ત્યારે ઊંઘમાં સરી પડે પછી ક્યારે ઊઠશે એ કહેવું મુશ્કેલ હોય છે. આ જ કારણોસર તેને કેટલીયે સ્કૂલ અને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવી છે. લોકોએ તેને ઉંઘણશી અને ભારે આળસુનું બિરુદ પણ આપી દીધું હતું. જોકે, તેને દુર્લભ સ્લીપિંગ બ્યુટી સિન્ડ્રોમ બીમારી હોવાની ખબર પડી છે ત્યારથી તેના પેરન્ટ્સ અને કોલેજવાળાઓએ પણ ઉદારતા દેખાડવાનું શરૂ કર્યું છે.