જે લોકોને રાત્રે ઊંઘ આવવાની સમસ્યા રહેતી હોય એવા લોકોને ચિત્તભ્રમ કે ચિંતાથી થતી સમસ્યાઓના ભોગ બનતા હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. સંશોધકોએ આ માટે નોર્થ અમેરિકા, યુરોપ અને પૂર્વ એશિયામાં આધેડ અને વૃદ્ધોની ઊંઘની સ્થિતિ અને માનસિક હાલત અંગે અગાઉ થયેલા ૫૧ અભ્યાસોના ડેટા તપાસ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે જે લોકો અનિદ્રાથી પીડાતા હતા, તેમનામાં માનસિક રોગ વિકસે એવી સંભાવના ૨૭ ટકા વધુ હોય છે. સંશોધકોને એ પણ જાણવા મળ્યું છે કે જે લોકોને અપૂરતી ઊંઘ આવતી હોય તેમનામાં ચિત્તભ્રમ પેદા થવાનું જોખમ ૨૫ ટકા વધુ હોય છે.
‘જર્નલ ઓફ ન્યૂરોલોજી, ન્યૂરોસર્જરી એન્ડ સાઇકિયાટ્રી’માં પ્રસિદ્ધ થયેલા આ અભ્યાસ મુજબ અપૂરતી ઊંઘ કે પથારીમાં પડખાં ઘસતા રહેવાને કારણે માનસિક અસ્વસ્થતાનું જોખમ ૨૪ ટકા વધી જતું હોય છે. આ અભ્યાસના લેખક ચીનની કિંગડાઓ યુનિવર્સિટીના ડો. વેઇ ઝુએ જણાવ્યું હતું કે આ તારણથી ચિત્તભ્રમને રોકવા માટે ઊંઘનું મેનેજમેન્ટ ઉપયોગી સાબિત થાય એમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અભ્યાસ ઊંઘની સમસ્યા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલી અને કઈ રીતે ચિત્તભ્રમ કે માનસિક બીમારીઓને લાવે છે તે જાણવાનો ન હતો. આ માટે તો અન્ય કારણો પણ સંભવ છે.
ડો. ઝુએ જણાવ્યું હતું કે ઊંઘની સમસ્યા મગજ તથા કરોડરજ્જુ સહિત કેન્દ્રીય ચેતાતંત્રમાં દાહ પેદા કરીને માનસિક અસ્વસ્થતા પેદા કરી શકે છે. મગજને ઓક્સિજન ઓછો પૂરા પડવાને કારણે કે કથિત સેરેબ્રલ હાયપોક્ષિયા થકી પણ માનસિક સમસ્યા પેદા થઈ શકે છે. ઉપરાંત ઓછી ઊંઘને કારણે મગજના ચાવીરૂપ ભાગોમાંથી કચરો કે નષ્ટ થયેલા કોષોને દૂર કરવાની મગજની કાર્યક્ષમતામાં ઘટાડો થઇ શકે છે.