ઊંઘમાં નસકોરાં બોલે અને ક્યારેક શ્વાસ રોકાઈ જતાં ઝબકીને જાગી જવાની સમસ્યા મેદસ્વીઓ લોકોમાં વધુ જોવા મળે છે. ક્યારેક આવી તકલીફ સ્લીપ એપ્નીઆમાં પરિણમતી હોય છે. આ એક એવી બીમારી છે જેમાં મગજને ઓક્સિજન ઓછો મળે છે. કેટલાક કિસ્સામાં ગળામાંની વધુ પડતી ચરબીને કારણે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીઆની સમસ્યા આકાર લે છે.
નસકોરાં બોલવાનું ઘટે એ માટે અનેક અખતરાઓ થયા છે, પરંતુ ઇટલીની યુનિવર્સિટી ઓફ બ્રેસિયાના રિસર્ચરોએ એવું તારણ રજૂ કર્યું છે દિવસ દરમિયાન ફુલ કોમ્પ્રેશન સોક્સ પહેરવાથી રાત્રે નસકોરાં બોલવાનું પ્રમાણ ૩૬ ટકા જેટલું ઘટી શકે છે.
સાંભળીને થોડુંક વિચિત્ર લાગે છે ને કે દિવસે મોજાં પહેરવાથી રાત્રે નસકોરાં કેવી રીતે ઘટે? યસ, આ કોઈ મનઘડંત વાત નથી, સાયન્ટિસ્ટોએ પ્રયોગ કરીને નોંધ્યું છે. આ માટે સાદા મોજાં નહીં, કોમ્પ્રેશન સ્ટોકિંગ્સની જરૂર પડે. આ માટે રિસર્ચરોએ કેવો પ્રયોગ કર્યો એ જાણીએ.
ઇટલીના રિસર્ચરોએ સ્લીપ એપ્નીઆના દર્દીઓ પર સળંગ બે વીકનો પ્રયોગ કર્યો. પહેલા અઠવાડિયે દર્દીઓ ઊંઘમાંથી જાગે ત્યારથી લઈને સૂવા માટે પથારીમાં પડે ત્યાં સુધી ફુલ લેન્થ કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરાવ્યાં હતાં. આ સાતેય રાત દરમિયાન તેમનું ઓવરઓલ ચેક-અપ પણ કરવામાં આવ્યું અને નોંધવામાં આવ્યું કે ઊંઘમાં તેઓ કેટલી વાર શ્વાસ લેવાનું ચૂકી જવાથી ઝબકીને જાગી ગયા હતા. આ પછીનું સળંગ અઠવાડિયું તેમને કોઈ જ પ્રકારનાં મોજાં નહીં પહેરવાની સલાહ આપવામાં આવી હતી. આ દરમિયાન પણ પહેલાની જેમ જ ચેક-અપ કરવામાં આવ્યું હતું. આ બંને વીકમાં દર્દીઓની સ્નોરિંગ અને એપ્નીઆની ફ્રીકવન્સીને સરખાવવામાં આવી તો નોંધાયું કે દિવસ દરમિયાન મોજાં પહેરવાને કારણે રાત્રે દર કલાકે એપ્નીઆની ફ્રીકવન્સીમાં ૩૬ ટકા જેટલો ઘટાડો થયો હતો.
આમ થવાનું વૈજ્ઞાનિક કારણ શું?
હજુ પણ સમજાતું નથી કે આ પ્રયોગ તો થયો, પણ એનો વૈજ્ઞાનિક આધાર શું? રિસર્ચ ટીમના લીડર ડો. સ્ટીફનીઆ રેડલ્ફીનું કહેવું છે કે વેઇન્સમાં અપૂરતો રક્તપ્રવાહ થવાની સમસ્યા ધરાવતા દરદીઓને કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરાવવાથી દિવસ દરમિયાન પગમાં ફ્લુઇડ એકઠું થતું અટકે છે અને જેવાં મોજાં ઉતારવામાં આવે એટલે એ જગ્યાએ ફ્લુઇડ ફરવા લાગે છે. આને કારણે રાતના સમયે શરીરના ઉપરના ભાગમાં એટલે કે ગરદન પાસે ઓછું ફ્લુઇડ જમા થયેલું હોય છે. ગરદન પાસે ફ્લુઇડ ઓછું હોવાથી શ્વાસનળીઓ પર બાહ્ય દબાણ ઓછું આવે છે અને એને કારણે શ્વાસ સરળતાથી ફેફસાંમાં જઈ શકે છે.
સાઈઝમાં વિશેષ કાળજી
કોમ્પ્રેશન સોક્સ સિન્થેટિક લાયકાના બનેલા હોય છે. વિવિધ લેન્થની સાથે એની સાઇઝ પણ ડિફરન્ટ હોય છે. અત્યંત મેદસ્વી વ્યક્તિ જો નાની સાઇઝનાં સોક્સ પહેરીને રાખે તો સાવ જ રક્તવહન અવરોધાઈ જઈ શકે છે અને પાતળી વ્યક્તિ લૂઝ સોક્સ પહેરો તો એનો પ્રેશર બિલ્ડ કરવાનો હેતુ સર નથી થતો. સોક્સ ડીવીટી ટાઇટ્સ તરીકે ઓળખાતા કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ અજમાવી શકો.
ડીવીટી ટાઇટ્સ શું છે?
ડીવીટી (ડીપ વેઇન થ્રોમ્બોસિસ) ટાઇટ્સ એવા કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ છે જે તમારા પગમાં રક્તપરિભ્રમણ આસાન બનાવવા માટે ઉપયોગી છે. આ સ્ટોકિંગ્સને ખાસ ફ્લાઈટમાં પહેરવાનાં સોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમને વેરિકોસ વેઇન્સની તકલીફ હોય, લાંબો સમય બેસવાથી પગમાં સોજા આવી જતા હોય એવા લોકો એરક્રાફ્ટમાં કેબિનની અંદરનું પ્રેશર અને ગુરુત્વાકર્ષણ બળનો ફોર્સ સહન કરી શકતા નથી. આ લોકોને પગમાં આ પ્રકારનાં મોજાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ મોજાં બે પ્રકારની લેન્થનાં આવે છે - ની લેન્થ અને ફુલ લેન્થ. જે વ્યક્તિનું વજન વધારે હોય તેમને લાંબો સમય બેસવાનું કે ઊભા રહેવાનું આવે ત્યારે પગની વેઇન્સમાં લોહીનો ભરાવો થઈ જાય છે અને નસો ફૂલી જાય છે. આ સોક્સ પહેરવાથી પગની વેઇન્સ પર પણ પ્રેશર જળવાઈ રહે છે એટલે નસોમાં ફ્લુઇડ જમા થતું નથી, પરંતુ સતત ફરતું જ રહે છે.
ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીઆ શું છે?
ઊંઘમાં આંતરિક અવરોધને કારણે અમુક ક્ષણો માટે શ્વાસ બંધ થઈ જાય છે. મેડિકલ ભાષામાં ઓછામાં ઓછી દસ કે એથી વધુ સેકન્ડ માટે શ્વાસ બંધ થઈ જાય ત્યારે સ્લીપ એપ્નીઆનું નિદાન થાય છે. જેટલા લાંબા સમય માટે શ્વાસ બંધ થતો હોય એટલું દરદી પર ઊંઘમાં પ્રાણ જવાનું જોખમ વધું.
સ્લીપ એપ્નીઆથી માત્ર ઊંઘમાં જ ખલેલ પહોંચે છે એવું નથી. એનાથી બ્લડપ્રેશર વધે છે અને હાર્ટની સમસ્યાઓનો જન્મ થાય છે. સ્લીપ એપ્નીઆના દર્દીઓને આખી રાત મોં પર માસ્ક લગાવીને સૂવાનું કમ્ફર્ટેબલ નથી હોતું. આ માસ્ક કન્ટિન્યુઅસ પોઝિટિવ એરવે પ્રેશર પૂરું પાડે છે, જેથી શ્વાસ લેવા માટે સભાન પ્રયત્ન કરવો પડતો નથી. આ પ્રયોગ હજી બહોળા પાયે નથી થયો એટલે સ્લીપ ડિસ્ઓર્ડર્સના ડોક્ટરોએ એને સ્વીકારી લીધો નથી, પણ આ પ્રયોગ કરવામાં કોઈ જ હાનિ નથી. ઊલટાનું મેદસ્વીપણાને લીધે વેરિકોઝ વેઇન્સની તકલીફથી પણ પ્રોટેક્શન મળે છે એ નફામાં.