રાત્રે વધારે ગરમીથી સ્ટ્રોક્સનું જોખમ વધુ
વિશ્વભરમાં તાપમાન વધી રહ્યું છે. રાત્રે વધુ ગરમી અને દિવસભર ઉષ્ણતામાન વધારે હોય તેવા સંજોગોમાં વયોવૃદ્ધ લોકો અને ખાસ કરીને સ્ત્રીઓને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જતું હોવાનું યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રસિદ્ધ નવા અભ્યાસમાં જણાવાયું છે. ગરમીના કારણે કાર્ડિયોવાસ્કુલર સિસ્ટમની કામગીરીને ભારે અસર થાય છે, તણાવ સર્જાય છે અને રક્તવાહિનીઓના આંકુચન અને સંકોચનને પણ અસર પહોંચે છે. ગરમ રાત્રે સ્ટ્રોકનું જોખમ ઘટાડવા માટે શરીરનું તાપમાન ઘટાડેલું રાખવા રાત્રે ઊંઘવા પહેલાં ભરપૂર પાણી પીવું જોઈએ, ઠંડી હવાની અવરજવર બરાબર થતી રહેવી જોઈએ, ઠંડા પાણીએ સ્નાન કરવું જોઈએ તેમજ ગરદન, છાતી અને કપાળ પર ઠંડા કપડાં રાખવા જોઈએની સલાહ અપાય છે. નવા અભ્યાસમાં આપણી પૃથ્વી ગરમ થઈ રહી છે તેની માનવ આરોગ્ય પરની અસરો પણ તપાસવામાં આવી છે. અભ્યાસ અનુસાર ગરમી વધુ હોય તેવી રાત્રોએ સ્ટ્રોક્સનું જોખમ 7 ટકા વધી જાય છે જેની અસર વયોવૃદ્ધ સ્ત્રીઓને વધુ થાય છે. 2011થી 2020ના ગાળામાં જમીન અને સમુદ્રની સપાટી પરનું સરેરાશ ઉષ્ણતામાન વિક્રમજનક વધ્યું છે.
•••
લેપ્ટિન હોર્મોન અલ્ઝાઈમર્સને અટકાવવામાં મદદરૂપ
શરીરમાં ચરબીના કોષો દ્વારા ઉત્પાદિત સામાન્ય લેપ્ટિન હોર્મોન અલ્ઝાઈમર્સ બીમારીને તેના પ્રારંભિક તબક્કે ધીમી પાડી અટકાવવામાં મદદરૂપ નીવડતું હોવાનું યુનિવર્સિટી ઓફ ડંડીના સંશોધકોએ અભ્યાસમાં જણાવ્યું છે. લેપ્ટિન આપણી ભૂખ પર નિયંત્રણ સાથે સંકળાયેલું છે. લેપ્ટિનનું થોડું પ્રમાણ પણ મગજના એમીલોઈડ અને ટાઉ નામના પ્રોટીન્સની ઝેરી અસર ઘટાડી શકે છે. આ બંને પ્રોટીન મગજના કોષોની આસપાસ છારી ઉભી કરીને કોષોને વીંટળાઈ જાય છે જેના પરિણામે, યાદશક્તિ ગુમાવાય છે અને અલ્ઝાઈમર્સ રોગ થવા તરફ દોરી જાય છે. લેપ્ટિન ભૂખના નિયમન અને તે રીતે વજનના નિયંત્રણ સાથે પણ સંકળાયેલું છે. શરીરને કેલરીઝની જરૂર ન હોય ત્યારે લેપ્ટિન હોર્મોન ભૂખને અટકાવે છે. તે રોજબરોજના ભોજન લેવા પર અસર કરતું નથી પરંતુ, લાંબા ગાળા સુધી વ્યક્તિના વજનને જાળવી રાખે છે. વ્યક્તિ જ્યારે ડાયેટિંગ પર હોય ત્યારે લેપ્ટિનનું ઘટેલું સ્તર મગજને સંદેશો પાઠવે છે કે શરીર ભૂખે મરી રહ્યું છે જેના કારણે ડાયટિંગ કરતા રહેવાનું મુશ્કેલ બને છે અને ખોરાક લેવા સાથે વજન વધી શકે છે. આ અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોને સંભવિત ડ્રગ્સ વિકસાવવામાં મદદ મળી છે, પણ લેપ્ટિન આધારિત ડ્રગ્સ બજારમાં મળતી થાય તેને થોડાં વર્ષ લાગી શકે છે.
•••
એવોકાડો ખાવાથી સ્ત્રીઓમાં ડાયાબિટીસનું જોખમ ઘટે
વિશ્વભરમાં ‘સાઈલન્ટ કિલર’ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જર્નલ ઓફ ધ એકેડેમી ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાયેટેટિક્સમાં પ્રસિદ્ધ અભ્યાસમાં સૂચવાયું છે કે એવોકાડો ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઘટે છે અને સ્ત્રીઓને તેનાથી વધુ લાભ થાય છે. એવોકાડો ફાઈબર, એન્ટિઓક્સિડન્ટ્સ અને તંદુરસ્ત ચરબીથી ભરપૂર છે જે મેટાબોલિક હેલ્થ અને ઈન્સ્યુલિન સેન્સિટીવિટીને સપોર્ટ કરે છે અને તેનો ગ્લાસેમિક ઈન્ડેક્સ પણ નીચો છે. મેક્સિકોમાં મૃત્યુ માટે ડાયાબિટીસ બીજા ક્રમનું કારણ છે અને આશરે 12.5 ટકા વયસ્કોના મોતનું કારણ ડાયાબિટીસ છે. મેક્સિકોની વસ્તીમાં આહારની આદતો અને ડાયાબિટીસના નિદાનોની માહિતીનો અભ્યાસ કરાયો હતો, જેમાં બહુમતી લોકો વધુપડતા વજનવાળા અથવા સ્થૂળ હતા. અભ્યાસમાં જણાયું હતું કે એવોકાડો નહિ ખાતા પુરુષોની સરખામણીએ એવોકાડો ખાનારી સ્ત્રીઓ માટે ડાયાબિટીસનું જોખમ 22થી 29 ટકા ઓછું હતું. અભ્યાસમાં સામેલ 25,640 લોકોમાંથી 59 ટકા સ્ત્રી હતી. એવોકાડોથી ડાયાબિટીસનું જોખમ ઘટતું હોવાનું માની શકાય પરંતુ, માત્ર તેના આહારથી જ જોખમ ઘટતું હોવાનું કહી શકાય નહિ કારણ કે અન્ય ઘણા પરિબળોની તેમાં ભૂમિકા રહેલી છે.