આજકાલ લોકો સમય નહિ હોવાની ફરિયાદ કરતા રહે છે જેના પરિણામે, તેમના દરેક કાર્યો વિલંબે થાય છે જેમકે મોડાં ઉઠવું, મોડાં સુવું અને મોડાં જમવું. ખરેખર તો આપણી કહેવત છે કે ‘રાતે વહેલા જે સુએ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિને ધન વધે વળી, સુખમાં રહે શરીર’ જેને વિજ્ઞાન પણ સમર્થન આપે છે. આ કહેવતમાં પણ રાત્રે વહેલાં ભોજન લેવાનું આડકતરી રીતે કહી દેવાયું છે.
ઉલ્લેખનીય છે કે જૈન ધર્મમાં તો સૂર્યાસ્ત પહેલાં જ ભોજનને મહત્ત્વ અપાયું છે. તાજેતરમાં ફ્રાન્સમાં 100,000થી વધુ લોકોને સાંકળતા અભ્યાસના તારણો દર્શાવે છે કે વહેલાં ભોજન કરવાથી હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
બાર્સેલોના ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ સહિતની સંસ્થાઓના સંશોધકોના તારણોમાં એમ પણ જણાવાયું છે કે જે લોકો સવારમાં નાસ્તો કરતા નથી અને દિવસમાં મોડેથી ભોજન કરે છે તેમને કાર્ડિયોવાસ્ક્યુલર રોગ થવાનું વધુ જોખમ હોય છે. આ ઉપરાંત, રાત્રે 9 વાગ્યા પછી ભોજન કરવાથી સ્ટ્રોક્સનો ભોગ બનવાનો દર ઊંચો જાય છે અને સ્ત્રીઓમાં તેનું પ્રમાણ વધારે રહે છે. રાત્રે મોડાં જમવાથી શરીરની આંતરિક ઘડિયાળ અને મેટાબોલિઝમની પ્રક્રિયામાં અવરોધ સર્જાય છે.
શરીરનું મેટાબોલિઝમ ચોક્કસ સમયે ઊર્જાસ્રોતોની અપેક્ષા અને તેના પાચન માટે સજ્જ હોય છે. વહેલી સવારમાં ઈન્સ્યુલિન અને ગ્લુકોઝ કોન્સન્ટ્રેશન પ્રતિ સંવેદનશીલતા સૌથી વધુ હોય છે અને તેમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે.
સવારના નાસ્તામાં દર કલાકનો વિલંબ કાર્ડિયોવાસ્ક્યુલર રોગના 6 ટકા જોખમ સાથે સંકળાયેલો રહે છે. રાત્રે 8 વાગ્યા પહેલા જમવાની સરખામણીએ રાત્રે 9 વાગ્યા પછી ભોજન લેવાથી સ્ટ્રોક જેવા સેરેબ્રોરોવાસ્ક્યુલર રોગના જોખમમાં 28 ટકાનો વધારો જોવા મળે છે. આ ઉપરાંત, દિવસના ડીનર અને બીજા દિવસની સવારના બ્રેકફાસ્ટ વચ્ચે લાંબું અંતર આ જોખમના પ્રમાણને ઘટાડે છે. આમ પ્રથમ ભોજન અને છેલ્લું ભોજન વહેલાં લેવાનું આરોગ્યની દૃષ્ટિએ હિતાવહ છે. આહાર અને હૃદયના આરોગ્ય સંબંધિત અગાઉના સંશોધનોમાં ઉપયોગમાં લેવાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને જથ્થા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગો અગ્રક્રમે છે જે 2019માં 18.6 મિલિયન મોતનું કારણ હતાં.