લંડનઃ ભૂખ લાગતાની સાથે જ હાથવગી હોય તેવી બ્રેડ સ્લાઈસ ખાઈ લેવાનું ચલણ વધી રહ્યું છે ત્યારે નિષ્ણાતોની ચેતવણી ધ્યાનમાં લેવી જરૂરી છે.બીનનફાકારી સંસ્થા ‘એક્શન ઓન સોલ્ટ’ દ્વારા કરાયલા સંશોધન અનુસાર દુકાનમાંથી ખરીદેલી બ્રેડની એક સ્લાઈસમાં મેક્ડોનાલ્ડ્સના ફ્રાઈઝ કરતા પણ લગભગ બમણું મીઠું હોય છે. હોવાઈસ વ્હાઈટ બ્રેડની માત્ર બે સ્લાઈસમાં આપણા માટે મીઠાંની મહત્તમ રોજિંદી જરૂરિયાતનો પાંચમો ભાગ હોય છે જે મેક્ડોનાલ્ડ્સના બર્ગર જેટલો જ હોય છે. સુપરમાર્કેટમાં મળતાં 75 ટકા બ્રેડના લોવ્ઝ-પાંઉરોટીની માત્ર એક સ્લાઈસમાં મીઠું ભભરાવેલી તૈયાર ફ્રાઈઝના પેકેટ જેટલું જ સોલ્ટ હોય છે.
ત્રણમાંથી એક બ્રિટિશર પીડાય છે તેવાં હાઈ બ્લડ પ્રેશરના રોગ માટે સૌથી વધુ જવાબદાર સ્થિતિમાં મીઠું પણ એક છે. જેના પરિણામે, હૃદયનાં જીવલેણ રોગો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. નેશનલ ડાયેટ
એન્ડ ન્યૂટ્રીશન સર્વે અનુસાર બ્રિટિશરોના આહારમાં મીઠાનું સૌથી વધુ પ્રમાણ બ્રેડમાંથી મળે છે. મોટા ભાગના વયસ્કો વર્ષમાં 60 લોવ્ઝની ખરીદી કરે છે.
ફૂડ ઈન્ડસ્ટ્રીએ 2006થી મીઠાંનું પ્રમાણ ઘટાડવાના સ્વૈચ્છિક લક્ષ્યો સ્થાપિત કર્યાં છે જેમાં વર્ષ 2024 માટે પ્રતિ 100 ગ્રામ બ્રેડમાં મહત્તમ 1.01ગ્રામનું લક્ષ્ય છે. ‘એક્શન ઓન સોલ્ટ’ દ્વારા હાઈ સ્ટ્રીટમાં મળતી કાપ્યા વિનાની 242 બ્રેડ બ્રાન્ડનો અભ્યાસ કરાયો હતો. આમાંથી 11 ટકા લોવ્ઝ મીઠાંના સ્થાપિત લક્ષ્ય કરતાં વધુ પ્રમાણ ધરાવતાં હતાં. ‘એક્શન ઓન સોલ્ટ’ દ્વારા હજું નીચાં લક્ષ્ય સ્થાપિત કરવાની હિમાયત કરાઈ છે. જો મીઠાંનું પ્રમાણ થોડું પણ ઘટશે તો તે સારા આરોગ્ય તરફ લઈ જશે.
આ બધામાં હોવાઈસ બેકર્સ બ્રેડમાં મીઠાંનું સૌથી વધુ પ્રમાણ પ્રતિ 100 ગ્રામે 1.48ગ્રામનું જોવાં મળ્યું હતું. આના પછી ક્રોસ્ટા એન્ડ મોલિકા પેન પગલીઝ ટોસ્ટિંગ બ્રેડ (1.3ગ્રામ), ધ પોલિશ બેકરી બાલ્ટોનોવસ્કી પ્રીમિયમ બ્રેડ– ચાલેબ બાલ્ટોનોવસ્કી (1.3ગ્રામ) અને હોવાઈસ ગ્રેનારી (1.28ગ્રામ)નો ક્રમ આવ્યો હતો. આ બધાની સરખામણીએ વેઈટરોસ રાય એન્ડ વ્હીટ ડાર્ક સૌરડફ બ્રેડમાં સોલ્ટનું પ્રમાણ પ્રતિ 100 ગ્રામે માત્ર 0.51ગ્રામનું જણાયું હતું.
હોવાઈસ ઓપ્શનની એક સ્લાઈસમાં સોલ્ટનું પ્રમાણ આશરે 0.83 ગ્રામ હતું જે મેક્ડોનાલ્ડ્સ ફ્રાઈઝના નાના પોર્શન કરતાં લગભગ બમણું એટલે કે 0.44ગ્રામ હતું. મેક્ડોનાલ્ડ્સ હેમ્બર્ગરમાં 1.2 ગ્રામ જ્યારે વોકર્સ રેડી સોલ્ટેડમાં પ્રતિ પેકેટ 0.46 ગ્રામ સોલ્ટ હતું.