અભિયાનના ભાગરૂપે જયંતી રાવલ અને કૈકી પ્રેસ બન્નેએ આ લક્ષણોને પારખીને તે વિશે તરત કાર્યવાહીના મહત્ત્વ અંગે ટૂંકી ફિલ્મોમાં તેમની અંગત વાત રજૂ કરી હતી.
લંડનના જયંતી રાવલને સતત ખાંસી આવતી હતી. પરંતુ, તેમણે આ લક્ષણની અવગણના કરી હતી. તેમણે જણાવ્યું હતું, ' મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને સતત આવતી ખાંસી કશુંક ગંભીર હોવાનું લક્ષણ હોઈ શકે.'
તેમની પત્નીને ખૂબ ચિંતા થતી હતી અને તે ડોક્ટર પાસે ચેક અપ માટે આગ્રહ કરતી હતી. ' મેં તેની વાત સાંભળી, તેના સૂચન માટે હું તેનો આભાર માનું છું. મેં કેટલાક ટેસ્ટ કરાવ્યા અને મને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયું. મને ખૂબ આઘાત લાગ્યો પણ હું ગભરાયો ન હતો. મારે મારી જાત માટે અને મારા ફેમિલી માટે શાંત રહેવુ મહત્ત્વનું હતું તે હું જાણતો હતો.'
'હું નસીબદાર હતો કે કેન્સર ખૂબ વહેલા તબક્કામાં હતું અને તેનું નિદાન થઈ ગયું. તેની સારવાર પણ થઈ શકે તેમ હતું. આ બધું ખૂબ ઝડપથી બની ગયું.'
તેઓ કેન્સર વિશે કેટલું ઓછું જાણતા હતા તેની તેમણે વાત કરી હતી, ' મેં કેન્સર વિશે સાંભળ્યુ હતું. પરંતુ, તેના વિશે વધુ જાણતો ન હતો. હું માત્ર એટલુ જ માનતો કે કોઈ વ્યક્તિને કેન્સર થાય તો તે માણસ મૃત ગણાય. પરંતુ, હવે હું જાણું છું કે કેન્સર પછી પણ જીવન છે.'
લંડનની કૈકી પ્રેસની માતા સાધના પ્રેસને હૃદયરોગ હોવાનું નિદાન થયું હતું. કૈકીએ જણાવ્યું હતું,' કારમાંથી ઉતરતા અને કારમાં બેસતા તથા સિડી ચડવા જેવા રોજિંદા કામમાં પણ તેને હાંફ ચડતી હતી. મને એવું લાગ્યું કે તેનું વજન વધારે હતું અને તે થોડી બીમાર હતી તેથી આવું થતું હશે.'
' મેં અને મારા ભાઈએ તેને ડોક્ટર પાસે ચેકઅપ માટે જવા સમજાવી અને તે ગઈ તેનાથી હું ખૂબ ખુશ છું. તેને સારવાર મળી અને હવે તેની તબિયત સુધારા પર છે.'
જયંતી રાવલની સારવાર કરનારા લેવિશામ અને ગ્રીનવીચ NHS ટ્રસ્ટની ક્વિન એલિઝાબેથ હોસ્પિટલના રેસ્પિરેટરી કન્સલ્ટન્ટ ડો. શેફિક ગરીબૂએ જણાવ્યું હતું,' હાંફ ચડવી અને સતત ખાંસી આવવાના આ લક્ષણો વધારે ઉંમરને લીધે અથવા તો તબિયત થોડી બગડી હોય તેમ માનીને સહેલાઈથી અવગણી શકાય તેવા છે. પરંતુ, આ લક્ષણો ચેતવણીના ચિહ્નો હોઈ શકે અને ડોક્ટર પાસે તેની તપાસ કરાવવી મહત્ત્વનું છે. કોઈને પણ આવું થતું હોય તો હું તેમને મેડિકલ સલાહ લેવા અનુરોધ કરીશ. પરિસ્થિતિ વધુ બગડી જાય ત્યાં સુધી રાહ જોવાને બદલે વહેલી તકે મદદ મેળવવી સારી છે. વહેલું નિદાન જીંદગી બચાવે છે અને લાંબા ગાળાની બીમારી ધરાવતા લોકોનું જીવન સુધારી શકે છે. રોજિંદા કાર્યો કરતા આપને હાંફ ચડે અથવા ત્રણ અઠવાડિયા કે તેના કરતા વધુ સમયથી ખાંસી રહેતી હોય તો આપના ડોક્ટરને જણાવો.'