અમદાવાદઃ કોરોના વાઇરસને ટક્કર આપવા માટે જરૂરી છે મજબૂત રોગપ્રતિકારક શકિત. જો તમે સારો ઇમ્યુનિટી પાવર ધરાવતા હશો તો આ મહામારીનો પ્રતિકાર કરી શકશો. આથી જ તબીબી નિષ્ણાતો એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે દરરોજ પાણી, દૂધ અને જ્યૂસ સહિત ચાર લિટર લિક્વિડની સાથે ફેફસાને મજબૂત બનાવવા ‘પલ્મોનરી રિહેબિલિટેશન’ પર ભાર મૂકી રહ્યા છે.
ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુ, સરગવો, રોજ ૧ કપ તજનું પાણી, દ્વાક્ષ, કોબિજ અને મેથીની ભાજીનો વધુ ઉપયોગ કરો. આઠ કલાકની ઊંઘ લો, અને નિયમિત કસરત કરો.
શરીરને ડિહાઇડ્રેડ થતું બચાવવા દરરોજ ચાર લિટર લિકવીડની સાથે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરને ત્રણને બદલે છ ભાગમાં વહેંચી નાંખો અને ગુજરાતી ભોજનને પ્રાધાન્ય આપવું જોઇએ.
કોરોનાનાં સંક્રમણમાં ‘પલ્મોનરી રિહેબિલિટેશન’થી ફેફસાં અને ફેફસાની દીવાલો મજબૂત બનતાં વાઇરસની મારક ક્ષમતા ઘટે છે. રોજ ૪ લિટર પ્રવાહી લેવાથી ફેફસામાં જામેલો કપ નીકળી જાય છે.
રોગપ્રતિકારક શકિત વધારતો ખોરાક
રોજ ચાર લિટર લિક્વિડ, જેમાં દાળ, લીંબુ પાણી, જ્યૂસ, સૂપ, દૂધ, છાશ, દહીં, ચાહની સાથે ફાયબરયુકત સિઝનલ શાકભાજી - ફળો અને શાકભાજી-ફળોની સ્મુધિ લઇ શકાય. ગરમીને લીધે પરસેવા દ્વારા શરીરમાંથી મિનરલ વિટામિન્સ ઘટે છે, જેથી પાણીમાં લીંબુ, ખાંડ કે મીઠું નાંખી પીવું. તુલસી-આદુ-ફુદીનાનો ઉકાળો, ગ્રીન ટી, હળદર-મીઠાનાં પાણીના કોગળા કરવા.
રોગપ્રતિકારક શક્તિ ઘટાડતાં ખોરાક
લોકડાઉન ખૂલ્યા બાદ તરત તીખા-તળેલા અને ભારે ખોરાક તેમજ પિત્ઝા, બર્ગર જેવાં જંકફૂડ જેવા ભારે ખોરાક ઉપરાંત ઠંડા પીણા-આઇસ્ક્રીમ અને કેક-પેસ્ટ્રી જેવા કફ વધારતાં પદાર્થોથી પાચન શક્તિ મંદ પડે છે. એટલું જ નહીં, ગેસ, એસિડિટી, અપચો થવાની સાથે ફેફસા પર પણ વિપરિત અસર થાય છે. તમાકુ - દારૂ સહિતનાં વ્યસનો હંમેશા રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે તે કદી ન ભૂલો.