રોજ 30 મિનિટની કસરત ટાઈપ 2 ડાયાબિટીસને અટકાવે
વિશ્વમાં આશરે 537 મિલિયન વયસ્કો ડાયાબિટીસથી પીડાય છે અને તેમાંથી 98 ટકાને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. આ પ્રકારના ડાયાબિટીસમાં મુખ્ય કારણ ઈન્સ્યુલિન સેન્સિટિવિટી અને ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય છે. ઈટાલીની યુનિવર્સિટા કેટોલિકા ડેલ સેક્રો ક્યુઓરેના સંશોધકોએ ‘જર્નલ ઓફ એન્ડોક્રિનોલોજિકલ ઈન્વેસ્ટિગેશન’માં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યા મુજબ માત્ર 30 મિનિટનું હળવા જોગિંગ જેવી એરોબિક કસરતનું સેશન બ્લડ સુગરના પ્રમાણને ઘટાડવામાં અને ઈન્સ્યુલિન સેન્સિટિવિટીને સુધારવામાં મદદરૂપ બની શકે છે. ડાયાબિટીસમાં શરીર યોગ્ય રીતે ઈન્સ્યુલિનનો ઉપયોગ કરી શકતું નથી જેને ઈન્સ્યુલિન સેન્સિટિવિટી કહેવાય છે જે સમયાંતરે ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં પેરવાય છે જેનાથી રક્તશર્કરાનું પ્રમાણ વધે છે. અગાઉના સંશોધનો મુજબ આરોગ્યપ્રદ આહાર, વજનની જાળવણી અને કસરત કરવાથી વ્યક્તિની ઈન્સ્યુલિન સેન્સિટિવિટી કુદરતી રીતે ઘટે છે. સંશોધકોએ અભ્યાસમાં ભાગ લેનારાનાં કસરત પહેલા અને 30 મિનિટ કસરતના સેશન પછી 24 ક્લાકે ગ્લુકોઝ અને ઈન્સ્યુલિન લેવલ્સ માપ્યા હતા. જેમાં કસરત પછી બ્લડ સુગર લેવલમાં ઘટાડો તેમજ ઈન્સ્યુલિન સેન્સિટિવિટીમાં વધારો જોવા મળ્યો હતો. કસરતથી ચરબી ઝડપથી બળે છે અને સુગર કન્ટ્રોલમાં મદદ મળે છે.
•••
હૃદયરોગનું જોખમ ઘટાડવા વીકએન્ડ્સમાં વધુ સુવાનું રાખો
સામાન્ય રીતે દરરોજ રાત્રે ઓછામાં ઓછાં સાત કલાકની ઊંઘ લેવી શારીરિક અને માનસિક આરોગ્ય માટે આવશ્યક છે. જોકે, ત્રણમાંથી એક વયસ્ક આટલી ઊંઘ લેતા નથી તેમ યુએસના સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન જણાવે છે. ચીનમાં સ્ટેટ કે લેબોરેટરી ઓફ ઈન્ફેક્શિયસ ડિસીઝ સંશોધકોનો નવો અભ્યાસ હવે એમ કહે છે કે આખા સપ્તાહ દરમિયાન રોજ સાત કલાકની ઊંઘ ન લેવાતી હોય તો વીકએન્ડ્સના દિવસોએ વધુ ઊંઘ ખેંચી ખોટને સરભર કરી લેવી જોઈએ. આમ કરવાથી કાર્ડિયોવાસ્કુલર – હૃદયરોગનું જોખમ 20 ટકા જેટલું ઘટાડી શકાય છે. સંશોધકોએ યુકે બાયોબેન્ક પ્રોજેક્ટમાં ભાગ લેનારા 90,000થી વધુ લોકો દ્વારા અપાયેલા ડેટાનો ઉપયોગ કર્યો હતો. જોકે, નિષ્ણાતો લાલબત્તી ધરતા એમ પણ કહે છે કે શરીર મોટા ભાગે ઊર્જા અને કામગીરી વચ્ચે સંતુલન જાળવી રાખવાની અદ્ભૂત ક્ષમતા ધરાવતું હોવાં છતાં, નિયમિતપણે ઓછી ઊંઘ લેતા લોકો માટે ઊંઘ સરભર કરી લેવાની યોજના કદાચ કારગર ન પણ નીવડે.