લંડનઃ દરરોજ લીલાં પાંદડા ધરાવતો સેલડ લેવાથી વૃદ્ધ લોકોની યાદશક્તિમાં વધારો થતો હોવાનું એક અભ્યાસના તારણો જણાવે છે. શિકાગોમાં રશ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના સંશોધકો દ્વારા ૯૬૦ લોકોનાં અભ્યાસ પછી ન્યૂરોલોજી જર્નલમાં આ અભ્યાસ પ્રસિદ્ધ થયો છે. સંશોધકોએ ડીમેન્શિયા નહિ ધરાવતાં ૮૧ વર્ષની વયના લોકોનો ૧૦ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો.
નિયમિતપણે અડધો કપ જેટલા લીલાં શાકભાજીનું સેલડ ખાનારા વૃદ્ધોની યાદશક્તિમાં ૧૧ વર્ષ અગાઉ હોય તેવો ફેરફાર જોવા મળ્યો હતો. લીલાં શાકભાજીનાં સેલડમાં વિટામીન કે વધુ પ્રમાણમાં હોય છે. અભ્યાસ હેઠળના વૃદ્ધો પર વિચાર અને યાદશક્તિના વાર્ષિક પરીક્ષણો કરાયા હતા. મોખરે રહેનારા વૃદ્ધો દરરોજ ૧૩ કોળિયા જેટલું સેલડ ખાતા હતા. આ ઉપરાંત, યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકો દ્વારા ફ્રન્ટિયર્સ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રસિદ્ધ અભ્યાસના તારણો અનુસાર તરવાની કસરત લોકોમાં ડીમેન્શિયાના લક્ષણોને પાછાં ધકેલે છે. વય સાથે વધતા રોગમાં શારીરિક ફિટનેસ ધરાવતાં લોકો અન્યોની સરખામણીએ આયોજન, વ્યવસ્થા અને યાદશક્તિની બાબતોમાં વધુ સારી રીતે આગળ રહે છે.