રોટાવાઇરસની રસીથી ડાયાબિટીસનો ખતરો ઘટે

Saturday 27th July 2019 06:13 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ હેલ્થ ઇન્સ્યોરન્સના રાષ્ટ્રવ્યાપી ડેટાનો અભ્યાસ કર્યા બાદ તારણ રજૂ કર્યું છે કે જે બાળકોને પેટના ફ્લૂની રોટાવાઇરસ રસી મૂકાય છે તેમને ભવિષ્યમાં ટાઇપ-૧ ડાયાબિટીસ થવાની સંભાવના ઘણી ઘટી જાય છે. ‘સાયન્ટિફિક રિપોર્ટ’ જર્નલમાં આ અહેવાલ પ્રકાશિત થયો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે રોટાવાઇરસ વેક્સિન અસરકારક રીતે કામ કરે છે. જે બાળકોને રસી મૂકાઇ હતી, તેમને બે મહિનાની અંદર આ વાઇરસના સંક્રમણની સંભાવના ૯૪ ટકા ઓછી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ વાઇરસ નાના બાળકોને વધુ અસર કરે છે. એના સંક્રમણથી ડાયરિયા, ઉલટી અને ગંભીર પ્રકારનું ડિહાઇડ્રેશન થવાની સંભાવના હોય છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે અમેરિકામાં સરેરાશ ૨૫ ટકા બાળકોને આ રસી અપાઇ નથી.

રિસર્ચ ટીમના વડા ડો. મેરી રોજરે કહ્યું હતું કે તે રોટાવાઇરસ વેકસિન તેમજ ટાઇપ-૧ ડાયાબિટીસના જોખમ વચ્ચે કોઈ પ્રકારનું કારણ અને અસરકારક સંબંધ બતાવી શકતા નથી. પરંતુ આ એક અસામાન્ય સ્થિતિ છે અને આથી જ નક્કર તારણ માટે વધુ લોકોના ડેટાનો અભ્યાસ કરવાની જરૂર છે. જોકે અમે એ બાળકોમાં ટાઇપ-૧ ડાયાબિટીસનું પ્રમાણ ઓછું જોયું છે જેમને રોટાવાઇરસની રસી અપાઇ હતી.
ઓસ્ટ્રેલિયામાં પણ આ વર્ષના પ્રારંભમાં આવો જ અભ્યાસ હાથ ધરાયો હતો, જેમાં આ વેક્સિન લેનાર બાળકોને ટાઇપ-૧ ડાયાબિટીસની આશંકા ૧૪ ટકા ઓછી દર્શાવાઇ હતી. આમાં લેબોરેટરીના રિપોર્ટના આધારે કહેવાયું હતું કે આ વેક્સિન પેનક્રિયાસના એ ભાગને અસર કરે છે જે ટાઈપ-૧ ડાયાબિટીસ માટે જવાબદાર છે. ઇન્સ્યુલિન બનાવનાર બીટા સેલના મરી જવાથી ટાઇપ-૧ ડાયાબિટીસ થાય છે અને દર્દીને નિયમિત ઇન્સ્યુલિનના ઇન્જેકશન લેવા પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter