તેલ અવીવઃ પોતાના લગ્નથી નાખુશ રહેનાર પર માત્ર માનસિક તંગદિલી જ નહીં પણ મૃત્યુનો ખતરો પણ વધી જાય છે. જે પુરુષો પોતાના લગ્નથી ખુશ ના હોય તેમની હૃદયરોગથી મૃત્યુની આશંકા વધી જાય છે. આવા પુરુષોના મૃત્યુના આંકમાં ૧૯ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ઇઝરાયલની તેલ અવિવ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ પોતાના સંશોધનને અંતે આ દાવો કર્યો છે.
સંશોધક ડો. શહેર લેવ એરી કહે છે કે સંશોધનમાં જાણવા મળેલા તારણ ચોંકાવનારા છે. લગ્ન કરવાથી સંતુષ્ઠ ના હોય તેમના કિસ્સામાં મૃત્યુનો ખતરો સિગારેટ પીવાથી રહેલા ખતરા બરોબર છે. તેમણે કહ્યું કે લગ્ન કરી ચૂકેલા લોકો માટે લગ્ન શિક્ષણ કાર્યક્રમની શરૂઆત કરવાની જરૂર છે. સંશોધકોએ અચાનક મૃત્યુનો શિકાર થયેલા ૧૦ હજાર લોકોના ત્રણ દાયકા જૂના હેલ્થ ડેટાનો અભ્યાસ કર્યો હતો.
સંશોધનમાં એ હકીકત સામે આવી કે લગ્નજીવનમાં દુઃખી રહેવાથી હાર્ટ એેટેક કે સ્ટ્રોકથી મૃત્યુની સંભાવના ૬૯ ટકા સુધીની રહે છે. આ સંભાવના દર સિગારેટની આદત કે કસરત ના કરવાને કારણે રહેતી મૃત્યુની સંભાવનાને બરાબર છે. સંશોધકોએ જણાવ્યા મુજબ ૩૨ વર્ષમાં લગ્નજીવનથી અસંતુષ્ઠ લોકો પૈકી ૧૯ ટકાના મૃત્યુ થઈ ગયા હતા. ક્લિનિકલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં જણાવ્યા મુજબ આરોગ્ય અધિકારી લોકોને કસરત કરવા અને ધૂમ્રપાનથી દૂર રહેવા પ્રેરતા હોય છે, પરંતુ હવે તેમણે લગ્નજીવનમાં સુખી રહેવાની સલાહ પણ આપવી જોઈએ.