વોશિંગ્ટનઃ દરેક ભારતીય પરિવારના ઘરમાં લવિંગ તો અવશ્ય મળી જ રહેશે. કદમાં નાનકડો આ તેજાનો આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. એક નવા સ્ટડીમાં એવું બહાર આવ્યું છે કે નિયમિત ધોરણે લવિંગનું સેવન કરવાથી વજન પર કાબૂ મેળવી શકાય છે. નિયમિત રીતે લવિંગ ચાવવાથી મેદસ્વિતા ઘટાડી શકાય છે. લવિંગ વિટામિન-સી, ફાયબર, મેગેંનીઝ, એન્ટિ-ઓક્સિડન્ટ અને વિટામિન-કેથી ભરપૂર હોય છે. ભોજનમાં પણ લવિંગનો સમાવેશ કરવાથી ઘણો ફાયદો થાયછે.
લવિંગમાં એન્ટિ-ઓક્સિડન્ટ હોય છે તે તણાવને ઓછો કરીને બળતરા અને સોજાને ઘટાડવામાં પણ ઉપકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લવિંગ ગુણકારી હોવાનું સંશોધકોએ જણાવ્યું છે અમેરિકાની એક યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં આ તારણ નીકળ્યું છે. સંશોધકોએ વધારે વજનની સમસ્યાથી પીડાતા કેટલાક લોકોને નિયમિત રીતે લવિંગ ખાવા આપ્યા હતા. અને થોડાક સમય બાદ તેમણે નોંધ્યું હતું કે જે લોકોએ લવિંગ ખાધા હતા તેમના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સંશોધકોએ આવા લોકોને નિયમિત રીતે લવિંગ ખાવાની સલાહ આપી છે. મેદસ્વિતાથી પીડિત લોકોને પ્રતિ-દિનના ધોરણે કેટલાક લવિંગ આપવામાં આવ્યાં હતાં. તેમનાં લોહીમાં પણ સુધારો જોવા મળ્યો હતો.