લંડનઃ લાંબું આયુષ્ય ભોગવવા માગતી વ્યક્તિએ પોતે ખુશ રહેવાની સાથે સાથે જીવનસાથીને પણ ખુશ રાખવાની જરૂરી છે. એક સ્ટડીમાં આ બાબત જાણવા મળી છે. ‘સાઇકોલોજિકલ સાયન્સ જર્નલ’માં પ્રકાશિત રિસર્ચ રિપોર્ટ મુજબ, જેમના જીવનસાથી સક્રિય જીવન જીવે છે તેમની પોતાની જીવનશૈલી પણ સક્રિય રહેવાની શક્યતા વધુ હોય છે. નેધરલેન્ડની ટિલબર્ગ યુનિવર્સિટીનાં રિસર્ચર ઓલ્ગા સ્તાવરોવાએ કહ્યું કે આ સ્ટડી વ્યક્તિની આસપાસના સામાજિક માહોલની તેના સ્વાસ્થ્ય પર થતી અસરો દર્શાવે છે. જો તમારા જીવનસાથી ડિપ્રેશનમાં હોય અને સાંજે ટીવી સામે બેસીને ચિપ્સ ખાવાનું પસંદ કરતા હોય તો તમારી દરેક સાંજ પણ લગભગ તેમ જ વીતશે. સ્તાવરોવાએ અમેરિકાના ૫૦ વર્ષથી વધુ વયના ૪,૪૦૦ દંપતી પર સ્ટડી કર્યો છે.
આંકડા એકત્રિત કરવાની શરૂઆત થયાના આઠ વર્ષ બાદ અંદાજે ૧૬ ટકા રિસ્પોન્ડન્ટ્સનું નિધન થયું ગયું. જેમનું નિધન થઈ ગયું તેઓ જીવિત રિસ્પોન્ડન્ટ્સની તુલનાએ વૃદ્ધ, ઓછા શિક્ષિત, ઓછા ધનિક, શારીરિક રીતે ઓછા સક્રિય અને ખરાબ સ્વાસ્થ્ય ધરાવતા હતા. તેઓ જીવિત રિસ્પોન્ડન્ટ્સની તુલનાએ સંબંધો અને જીવનમાં પણ ઓછા સંતુષ્ટ હતા અને તેમના જીવનસાથી પણ ઓછા સંતુષ્ટ હતા.
સ્ટડી મુજબ જે લોકોના જીવનસાથી સ્ટડીની શરૂઆતમાં જીવનમાં સંતુષ્ટ હતા તેમના મોતનું જોખમ પ્રમાણમાં ઓછું હતું. અભ્યાસમાં આવરી લેવાયેલા લોકોને જીવનસાથીની પસંદગી વિશે પણ ઘણા સવાલ પૂછયા હતા. મોટા ભાગના સવાલ તેમના રોજિંદા જીવન અને સામાજિક-આર્થિક વ્યવસ્થા અંગેના હતા. પતિ-પત્ની બન્નેને એક જેવા જ સવાલ કરાયા હતા. મોટાભાગના જવાબ પણ એક જેવા જ જણાયા.