લાંબો સમય એન્ટિબાયોટિક્સ લેશો તો આંતરડાના કેન્સરનું જોખમ

Monday 10th April 2017 08:46 EDT
 
 

લંડનઃ બેક્ટેરિયલ ઈન્ફેક્શનની સારવાર માટે એન્ટિબાયોટિક્સ આવશ્યક છે પરંતુ, ગમે તેવા દર્દમાં એન્ટિબાયોટિક્સ લેવાનું ચલણ વધતું જાય છે ત્યારે વૈજ્ઞાનિકોએ તેના વધુપડતા વપરાશ સામે લાલ બત્તી દર્શાવી છે. એન્ટિબાયોટિક્સ ૧૫ કે તેથી વધુ દિવસો સુધી લેવાથી આંતરડાનું કેન્સર થવાનું જોખમ ૭૩ ટકા વધી જાય છે. ૨૦-૩૯ વયજૂથની સરખામણીએ ૪૦-૫૯ વયજૂથના લોકો માટે આ જોખમ વધુ રહે છે. જોકે, વૈજ્ઞાનિકોએ એન્ટિબાયોટિક્સ સારવાર બંધ કરી દેવાની સલાહ આપી નથી.

વૈજ્ઞાનિકોએ શોધ્યા મુજબ લાંબો સમય એન્ટિબાયોટિક્સના વપરાશથી આંતરડાની દીવાલો પર પોલિપ્સ એટલે કે નાની ગાંઠો સર્જાય છે, જે કેન્સરજન્ય બનવાનું જોખમ રહે છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે હોજરી-આંતરડામાં રહેલાં બેક્ટેરિયા કેન્સરના જોખમમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સામાન્યપણે એન્ટિબાયોક્સ સાત દિવસ માટે પ્રીસ્ક્રાઈબ કરવામાં આવે છે. જોકે, ખીલ (Acne) માટે છથી આઠ સપ્તાહ, ટ્યુબરક્લોસિસ માટે ઓછામાં ઓછાં છ મહિના એન્ટિબાયોટિક્સ સારવાર આપવામાં આવે છે. ૭૫થી વધુ વયના લોકો, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસના દર્દીઓ વધુપડતા એન્ટિબાયોટિક્સથી જોખમ રહે છે.

જર્નલ ‘Gut’માં પ્રસિદ્ધ સંશોધનમાં ૬૦ વર્ષથી વધુ વયની ૧૬,૦૦૦ મહિલાના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું. એન્ટિબાયોટિક્સનો ઉપયોગ નહિ કરનારાની સરખામણીએ માત્ર બે મહિના એન્ટિબાયોટિક્સ લેનારી ૨૦-૩૯ વયજૂથની મહિલામાં પોલિપ્સનું જોખમ ૩૬ ટકા વધ્યું હતું. આ જ જોખમ ૪૦-૫૯ વયજૂથની સ્ત્રીઓમાં ૬૯ ટકા જણાયું હતું.

યુકેમાં બ્રેસ્ટ, પ્રોસ્ટેટ અને લંગ કેન્સર પછી આંતરડાનું કેન્સર સૌથી સામાન્ય કેન્સર છે, દર વર્ષે ૪૧,૦૦૦ લોકોને આંતરડાના કેન્સરનું નિદાન કરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter