એક નવા સંશોધનના તારણ અનુસાર, એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવું અત્યંત ખતરનાક બની રહે છે. જે લોકો સતત એકધારાં બેસી રહેતાં હોય છે તેમને લાંબા ગાળે ડાયાબિટીસનો ભોગ બનવાનો વારો આવે છે. અનિયમિત જીવનશૈલીની સાથે સાથે આપણી ટેવો પણ ડાયાબિટીસને નોતરી શકે તે આ અભ્યાસ પુરવાર કરે છે.
સંશોધનમાં માલૂમ પડયું છે કે આપણે કમ્પ્યૂટર પર કામ કરતી વખતે અથવા ટીવી જોતી વખતે લગભગ ૧૨ કલાક બેસીને વિતાવીએ છીએ. જો તેમાં ઊંઘના કલાકો ઉમેરીએ તો આપણે ૧૯ કલાક એમને એમ જ પસાર કરીએ છીએ. સંશોધન કરનાર ટીમે કહ્યું કે વર્ષભર કાર્યસ્થળે ત્રણથી ચાર કલાક ઊભા રહેવાથી એક વર્ષમાં ૧૦ મેરેથોન દોડવા બરોબર છે.
એક કરતાં વધુ અભ્યાસમાં પુરવાર થયું છે કે દિવસ દરમિયાન કલાકો સુધી એકધારું બેસી રહેનાર લોકો સક્રિય લોકો કરતાં બે વર્ષ ઓછું જીવે છે. જો તમને દરરોજ કસરત કરવાની ટેવ હોય તો પણ તેનાથી કંઈ ખાસ ફરક પડતો નથી.
જ્યારે આપણે કંઈક ખાઈએ છીએ ત્યારે આપણું શરીર તેને ગ્લુકોઝમાં બદલી નાખે છે અને પછી આ ગ્લુકોઝ લોહી દ્વારા બીજી નસોમાં પ્રવાહિત થાય છે. ગ્લુકોઝ શરીરને ઊર્જા પૂરી પાડવા માટે જરૂરી છે, પરંતુ જો શરીરમાં લગાતાર તેનું ઊંચું પ્રમાણ જળવાઈ રહે તો આપણને ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓનો ખતરો પેદા થાય છે. પાંચ દિવસ સુધી દિવસમાં ત્રણ કલાક ઊભા રહીએ તો અંદાજે ૭૫૦ કેલરી ખર્ચ થાય છે.