જો તમારા કામના કુલ કલાકોમાં અડધાથી વધુ સમય બેસીને પસાર થતો હોય તો સાવચેત થઇ જવું જોઇએ. તમે ભલે લાંબો સમય બેસી રહેવાના સમયની ભરપાઇ અડધો કલાક સાઇકલિંગ, વોકિંગ કે સ્વિમિંગ જેવી કસરતથી કરતા હો, થોડા-થોડા સમયમાં કેટલીક મિનિટ માટે ઊભા થઇને મૂવમેન્ટ કરવી જરૂરી છે. હાર્વર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલી બ્રિન્ધમ એન્ડ વિમેન્સ હોસ્પિટલના ડો. હિચમ સ્કાલીના મતે, તમે જેટલો સમય બેસી રહો છો તેટલો સમય તમારી માંસપેશીઓ તમારા લોહીમાં રહેલા ગ્લૂકોઝનો ઉપયોગ કરી શકતી નથી, જે શરીરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આથી, બ્લડ શુગર વધવાનું જોખમ વધુ રહે છે. હલનચલન ન કરવાની આ ટેવ ઇન્સ્યુલિન પ્રત્યે શરીરની સંવેદનશીલતા ઘટાડે છે. તેનાથી સોજા વધે છે અને આર્ટરિઝમાં ચરબી જામવા લાગે છે. આ મામલે કરાયેલા રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે હલનચલન ન કરવાની ટેવ અનેક જીન્સને પ્રભાવિત કરે છે, જેમાં લિપોપ્રોટીન લિપસ એન્ઝાઇમ પણ સામેલ છે. જે ચરબીને તોડીને ઊર્જાને બદવાનું કામ કરે છે.
૬૦ વર્ષ અને તેનાથી વધુ વયના ૨,૬૦૦ વૃદ્વોની બેસી રહેવાની ટેવ પર ૯ વર્ષ સુધી એક અભ્યાસ કરાયો હતો. જેમાં જાણવા મળ્યું કે, જે વૃદ્વો દિવસ દરમિયાન સરેરાશ ૭ કલાક બેસી રહેતા હતા તેમનામાં સરેરાશ ત્રણ કલાક બેસી રહેતા વૃદ્ધોની સરખામણીએ હૃદય સંબંધિત બીમારીથી મૃત્યુનું જોખમ ૩૩ ટકા વધુ જોવા મળ્યું હતું.