વર્તમાન યુગમાં બધી સગવડ હાથવગી થઈ રહી છે ત્યારે લોકો આરામ ફરમાવતા હોય તેમ વધી રહ્યું છે. જોકે, આરોગ્યની ચિંતા કરનારા લોકો આરામની જગ્યાએ કસરત કરવા પર વધુ ભાર રાખે છે. આમ છતાં, આવા લોકો પણ હૃદયરોગનો શિકાર બની રહ્યા છે. બેઠાડું જીવન, લાંબો સમય બેસી રહેવું અને હૃદયની તંદુરસ્તી વચ્ચે મજબૂત કડીઓ હોવાનું સ્થાપિત થયેલું છે ત્યારે જર્નલ JACCમાં પ્રકાશિત નવા અભ્યાસમાં સ્પષ્ટ કરાયું છે કે દિવસમાં 10 કલાક અથવા તેથી વધુ સમય બેસી રહેવાથી હાર્ટ ફેઈલ્યોરનું જોખમ વધી જાય છે. જે લોકો નિયમિત કસરત કરતા હોય તેમના માટે પણ આ ચેતવણી સાચી છે.
અપૂરતી કસરત હાર્ટ ડિસીઝમાં ફાળો આપે છે તે હકીકત જાણીતી છે અને હેલ્થ ગાઈડલાઈન્સ અનુસાર પ્રતિ સપ્તાહ 150 મિનિટ મધ્યમથી સખત શારીરિક પ્રવૃત્તિ કરવામાં આવે તો જોખમ ઘટી શકે છે. જોકે, યુએસમાં માસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના સંશોધકો અનુસાર દરરોજ આવી કસરત કરવામાં આવે તેમ છતાં આપણી સમગ્રતયા દૈનિક પ્રવૃત્તિમાં તે નાનો સરખો હિસ્સો જ બની રહે છે અને વર્તમાન ગાઈડલાઈન્સ બેઠાડું જીવન કે વર્તણૂક વિશે ચોક્કસ સલાહ આપતી નથી.
નવા અભ્યાસમાં સંશોધકોએ યુકે બાયોબેન્કમાં નોંધાયેલા આશરે 90,000 લોકોના હેલ્થ ડેટાનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં ભાગ લેનારા લોકોના કાંડા પર લગાવાયેલા એક્સીલરોમીટરમાં સાત દિવસ સુધી તેમની હિલચાલ કે પ્રવૃત્તિની નોંધ લેવાઈ હતી. ભાગ લેનારા લોકોની સરેરાશ વય 62 વર્ષની હતી અને તેમાંથી 56 ટકા સ્ત્રીઓ હતી જેમનું પ્રતિ દિન સરેરાશ બેઠાડું જીવન આશરે 9.4 કલાકનું હતું. અભ્યાસમાં હૃદયરોગનું જોખમ સૌથી વધુ હોય તેટલા બેઠાડું સમયનું મૂલ્યાંકન કરાયું હતું.
સંશોધકોએ બેસી રહેવાના સમય અને શારીરિક એક્ટિવિટી સંયુક્તપણે એટ્રિયલ ફાઈબ્રિલેશન (AF-અનિયમિત ધબકારા), માયોકાર્ડીઅલ ઈન્ફ્રાક્શન (MI-કોરોનરી ધમનીમાં પૂરતું લોહી ન પહોંચવું) અને હાર્ટ ફેઈલ્યોર (HF) જેવી જીવલેણ પરિસ્થિતિના જોખમને અસર કરે છે તેનું મૂલ્યાંકન કર્યું હતું. પાર્ટિસિપેન્ટ્સ પર 8 વર્ષ સુધી દેખરેખ રાખ્યા પછી સંશોધકોને જણાયું હતું કે આશરે 3,600 લોકોને AF, 1,850થી વધુ લોકોને HF અને 1,600થી વધુને MI ની અસર થઈ હતી. આશરે 900 લોકો હૃદયરોગથી મોતના શિકાર બન્યા હતા.
હૃદયરોગનો શિકાર ન બનવા બેઠાડું જીવન ટાળો
કસરત કરવા છતાં હૃદયરોગનો શિકાર ન બનવું હોય તો દિવસના 10 કલાકથી વધુ બેસી રહેશો નહિ. બેસી રહેવાનું થાય તો પણ વચમાં થોડો સમય ઉભા થઈ જવું અને આરામ કરી લેવો અને હળવી કસરત પણ કરી લેવી હિતાવહ ગણાશે. દૈનિક 150 મિનિટની કસરતના ધ્યેયને વળગી જ રહેવું જોઈએ.