લાઇફસ્ટાઇલમાં પરિવર્તનથી ટાળી શકો છો ઘડપણની તકલીફો

Wednesday 16th March 2022 05:14 EDT
 
 

આપણી ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યાં. મતલબ કે જીવનનું સૌથી મોટું સુખ છે નિરામય સ્વાસ્થ્ય, તંદુરસ્તી. વ્યક્તિ ગમેતેટલી ધનવાન હોય, પરંતુ જો શરીર જ સાથ ન આપે તો? કોઇને કોઇ બીમારીઓ આવતી રહે તો ગમેતેવો માણસ જંદગીથી તોબા પોકારી જાય. આ કારણે જ ઉંમર વધવાની સાથે જીવનમાં કેટલુંક પરિવર્તન લાવવું જરૂરી છે. જેમ જેમ ઘડપણ આવતું જાય છે તેમ તેમ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને અપચો જેવી બીમારીઓની સમસ્યા વધી જાય છે. જોકે ખાણીપીણીમાં ધ્યાન રાખવામાં આવે અને જીવનશૈલીમાં થોડું પરિવર્તન લાવવામાં આવે તો ઘણીબધી સમસ્યાઓની બચી શકાય છે. આપણે સહુ લાઇફસ્ટાઇલમાં થોડુંકઅમસ્તું પરિવર્તન આણીને સ્વાસ્થ્યને સુધારી શકીએ છીએ. આ ફેરફાર કેવા પ્રકારનો હોવો જોઇએ તે આજે જાણીએ.
• ખાણીપીણીમાં પરેજીઃ ઉંમર વધવાની સાથે ખાણીપીણીમાં ધ્યાન રાખવું જરૂરી છે. બને ત્યાં સુધી હંમેશાં પૌષ્ટિક ભોજનનો જ આગ્રહ રાખવો. આહારમાં ફળો, લીલાં શાકભાજી, અનાજ અન ફેટ-ફ્રી ડેરી પ્રોડક્ટનો સમાવેશ કરવો લાભકારક છે. આ સાથે શરીર સાથે પ્રોટીન મળે એ માટે કઠોળ જેવા ખાદ્યપદાર્થોને વિશેષ મહત્ત્વ આપવું. વજનમાં થતાં વધારો અને હૃદયની બીમારીઓથી બચવા માટે આહારમાં સેચ્યુરેટેડ ફેટ, કોલેસ્ટેરોલ, મીઠું અને ખાંડનું સેવન ઓછું કરવું જોઇએ.
• એક્ટિવ રહોઃ ઘડપણમાં ફિટ રહેવા માટે શારીરિક રીતે એક્ટિવ રહેવું જરૂરી છે. એક્ટિવ રહેશો તો ફિટ રહેશો. હૃદયની સ્વસ્થતા માટે સક્રિય રહેવું જરૂરી છે. હૃદયને સ્વસ્થ રાખવા, સ્નાયુઓને મજબૂત બનાવવા અને શરીરનું સંતુલન જાળવી રાખવા માટે એક્ટિવ રહેવું જરૂરી છે. શારીરિક રીતે કાર્યરત રહેવાથી ડિમેન્શિયા જેવી બીમારીઓ થવાનું જોખમ ટાળ શકાય છે. આ માટે રોજ ઓછામાં ઓછા અડધા કલાક માટે કસરત કરવી જરૂરી છે. મોર્નિંગ વોક, સાઇકલિંગ અને સ્વિમિંગ જેવી પ્રવૃતિઓનો પણ તમે તમારી એક્સરસાઇઝમાં સમાવેશ કરી શકો છો.
• કોલેસ્ટેરોલ કંટ્રોલઃ ઉંમરલાયક વ્યક્તિને કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રાખવાની હંમેશા સલાહ આપવામાં આવે છે. ભોજનમાં કોલેસ્ટરોલનું પ્રમાણ બહુ ઓછું હોય તે જરૂરી છે. જો તેમને હૃદયની બીમારી હોય તો ૨૦૦ ગ્રામ કરતાં વધારે કોલેસ્ટેરોલ લેવું નહીં. ઇંડાંની સફેદી અને મલાઇવાળું દૂધ જેવા ચરબીયુક્ત અને વધારે કોલેસ્ટેરોલવાળા પદાર્થો આરોગવાનું ટાળવું
• વજન નિયંત્રણમાં રાખોઃ વધતી ઉંમર સાથે વ્યક્તિ વજનને નિયંત્રણમાં રાખે તે બહુ જરૂરી છે. જો તમારું વજન બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ) મુજબ વધારે હોય તો તેને ઘટાડવાનો પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી છે. આ માટે જરૂરી નથી કે તમે ભોજનનો ત્યાગ કરો, પણ તે વાતનું ધ્યાન રાખવું કે ભોજનમાં કેલેરીની માત્રા ઓછી હોય. જોકે આનો મતલબ એ નથી કે ભોજનની માત્રા ઘટાડી નાંખવી. તમે પૌષ્ટિક લઇને પણ ભોજન ઘટાડી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter