ભારત હોય, બ્રિટન હોય કે પછી વિશ્વનો અન્ય કોઇ દેશ, આર્થરાઇટિસની સમસ્યા વકરી રહી છે. અગાઉ આ સમસ્યા મોટી વયની વ્યક્તિઓમાં જ જોવા મળતી હતી. અને તેનું મુખ્ય કારણ હતું વિટામિન-ડીની ઉણપ કે જે હાડકાંના મેટાબોલિઝમ માટે અત્યંત જરૂરી છે. જોકે હવે હાડકાંની આ બીમારી યુવાનોમાં પણ જોવા મળી રહી છે. એક સમય હતો કે આર્થરાઈટિસ સંબંધિત કેસ જે 55થી 60 વયજૂથમાં જ જોવા મળતા હતા, તે હવે 35થી 40 વયજૂથમાં જોવા મળી રહ્યા છે. જેનું મોટું કારણ જીવનશૈલી અને ખાણીપીણીમાં ઝડપથી આવેલું પરિવર્તન છે. ભોજનમાં ફળ-શાકભાજીના સ્થાને ફાસ્ટ ફૂડ અને પેક્ડ ભોજનનું ચલણ વધી રહ્યું છે. તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. બીજું કારણ લોકોમાં શારીરિક ગતિવિધિ ઘટી જવી છે. આના કારણે હાડકાંના નિર્માણ માટે જરૂરી ટિશ્યુ બનવાનું ઓછું થઈ રહ્યું છે. વળી, ભાગદોડભરી જિંદગીના કારણે સતત તણાવ રહેતો હોવાથી કોર્ટિસોલ હોર્મોન વધવા લાગે છે. જે બ્લડ શુગર વધારે છે, પરિણામે યુરીનના માધ્યમથી શરીરમાંથી કેલ્શિયમ બહાર નીકળવા લાગે છે. લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલી આ ટેવો હાડકાંને કઇ રીતે નુકસાન પહોંચાડે છે તે જાણો.
• સ્મોકિંગ: તમાકુનો ધુમાડો ફ્રી રેડિકલ્સ છોડે છે. આ ફ્રી રેડિકલ્સ હાડકાં બનાવતી કોશિકાઓને મારી નાખે છે. આ ઉપરાંત સ્મોકિંગ હોર્મોન કેલ્સિટોનિનનું સ્તર ઘટાડે છે. કેલ્સિટોનિન બોન સ્ટોકને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
• ફાસ્ટ ફૂડ: તબીબી નિષ્ણાતોના મતે, મેદો, રિફાઈન્ડ ખાંડ અને રિફાઈન્ડ તેલથી બનેલા ખાદ્ય પદાર્થ પચવા માટે શરીરમાંથી પોષક તત્ત્વો ખેંચે છે. તેનાથી શરીરમાં વિટામિન અને મિનરલ્સની ઉણપ પેદા થાય છે, હાડકાં નબળાં થવા લાગે છે.
• લાંબું સીટિંગ: હકીકતમાં હાડકાં જીવંત ટિશ્યૂ છે, જે સમયના વહેવા સાથે નિયમિત રીતે તુટતા અને બનતા રહે છે. જ્યારે તૂટનારા ટિશ્યુની તુલનામાં નવા ટિશ્યુ બનવાનું ઓછું થવા લાગે છે તો હાડકાં નબળાં પડવા લાગે છે. લાંબા સિટિંગને કારણે નવા ટિશ્યુ બનવાનું ઘટવા લાગે છે.
• ઓછી ઊંઘ: ઓછી ઊંઘથી તણાવ હોર્મોન કાર્ટિસોલનું સ્તર વધે છે. તેને નિયંત્રિત કરવા માટે શરીર હાડકાંમાંથી કેલ્શિયમ અને મિનરલ્સ ખેંચે છે. ઓછી ઊંઘને કારણે હાડકાંનું નિર્માણ કરતી કોશિકાઓનું બનવાનું પણ ઘટવા લાગે છે.
• વધુ વજન: સ્થૂળતા કે વધુ વજનથી હાડકાંને રેગ્યુલેટ કરતા હોર્મોન્સ પ્રભાવિત થાય છે. જેના કારણે ઓક્સિટેટિવ સ્ટ્રેસ વધે છે. તેના ઉપરાંત હાડકાંને બનાવતી કોશિકાઓનું મેટાબોલિઝમ પણ પ્રભાવિત થાય છે.
તો પછી હાડકાં મજબૂત કરવા માટે શું કરવું જોઇએ? નિષ્ણાતો કહે છે કે નિયમિત એક્સરસાઈઝ અને જીવનશૈલી સુધારો. વજન ઉઠાવનારી અને રેઝિસ્ટન્સ એક્સરસાઈઝ જેમ કે રનિંગ, જોગિંગ, સીડીઓ ચઢવી વગેરે કરો. એટલું જ નહીં, સ્મોકિંગ સહિતના વ્યસન છોડો. અને ફાસ્ટ ફૂડ ટાળો અને પૂરતી ઊંઘ લો. ઓફિસમાં જ લાંબો સમય પસાર થતો હોય તો નિયમિત અંતરે નાનો બ્રેક લઇને શરીરને સક્રિય રાખો.