લાખો લોકોને સ્ટેટિન્સ દવાઓથી કોઈ લાભ થતો નથી

Wednesday 14th November 2018 01:50 EST
 
 

લંડનઃ તંદુરસ્ત વૃદ્ધોને હૃદયરોગ અટકાવવા માટે અપાતી સ્ટેટિન ગ્રૂપની દવાઓથી કોઈ ખાસ લાભ થતો ન હોવાનું સ્પેનિશ વિજ્ઞાનીઓના નવા સર્વેમાં બહાર આવ્યું છે. બ્રિટનમાં ૭૫થી વધુ વયના લોકો તંદુરસ્ત હોય તો પણ ૨૦૧૪થી સ્ટેટિન્સ લઈ શકે છે. ૭૫થી વધુ વયના ઓછું જોખમ ધરાવતા તંદુરસ્ત ૪૭,૦૦૦ લોકો પર સર્વે કરાયો તેમાં સ્ટેટિન્સ આપવાથી કોઈ લાભ થતો હોવાની સાબિતીઓ મળી ન હતી. આના પરિણામે, સ્ટેટિન્સના વ્યાપક ઉપયોગના લાભ-ગેરલાભ વિશે નવેસરથી ચર્ચાઓ ઉભી થશે.

નિષ્ણાતો એ મુદ્દે સહમત છે કે સ્ટેટિન્સ હૃદયરોગો અથવા ડાયાબીટિસ ધરાવતા, તેમજ ખાસ કરીને હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ભોગ બનેલા, ૨૦ લાખ લોકો માટે જીવનરક્ષક બની રહે છે. જોકે, બાકીના ૧૦ મિલિયન તંદુરસ્ત લોકો બીમાર પડી શકે તેવી સંભાવનાના આધારે દવાઓના વધુપડતા ઉપયોગ સામે પ્રશ્ન કરાઈ રહ્યો છે.

૧૨ મિલિયન લોકોમાંથી ઘણાં લોકો કોઈ દેખીતાં કારણ વિના ગોળીઓ લેવામાં ખચકાટ અનુભવે છે અને આશરે ૬ મિલિયન લોકો જ આ દવાઓ લેવા તૈયાર હોય છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત તાજા તારણો કહે છે કે મોટા ભાગના વૃદ્ધ લોકોને સ્ટેટિન્સ ગોળીઓથી ખરેખર લાભ થતો નથી.

કેટેલાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને યુનિવર્સિટી ઓફ ગિરોનાના સ્પેનિશ વિજ્ઞાનીઓએ ૭૫થી વધુ વયના ૪૬,૮૬૪ લોકો પર છ વર્ષ સુધી નજર રાખી હતી. અભ્યાસના આરંભે કોઈને હૃદય સંબંધી સમસ્યા ન હતી. આ ઉપરાંત, સ્ટેટિન્સના ઉપયોગથી કાર્ડિયોવાસ્કુલર રોગો અથવા મૃત્યુમાં કોઈ ઘટાડો થતો હોવાની સાબિતીઓ વિજ્ઞાનીઓને મળી ન હતી. સૌથી વધુ ફાયદો ટાઈપ ટુ ડાયાબિટીસ સાથેના ૭૫-૮૪ વયજૂથના લોકોને દેકાયો હતો, જેમના માટે આમ પણ કાર્ડિયોવાસ્કુલર રોગોનું જોખમ ૨૪ ટકા ઘટ્યું હોય છે અને અભ્યાસગાળા દરમિયાન તેમના મોતનું જોખમ ૧૬ ટકા નીચે ગયું હતું. જોકે, આ જૂથ માટે પણ ૮૫ વર્ષ પછી રક્ષણાત્મક અસર ઓછી થઈ હતી અને ૯૦ની વય પછી તો અદૃશ્ય જ હતી.

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના પ્રોફેસર કોલીન બાયજેન્ટે અભ્યાસની આકરી ટીકા કરી જણાવ્યું હતું કે રાબેતા મુજબના હેલ્થ રેકોર્ડ્ઝના ઉપયોગથી હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સ પર સ્ટેટિન્સની અસર નિર્ધારિત કરવા થતા આવા અભ્યાસ અવિશ્વસનીય હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter