લેસ્ટર અરેના અને મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ અરેનાની ત્રણ વર્ષની નેમીંગ રાઈટ્સ સ્પોન્સરશીપ માટે સંમત થયા હોવાથી હવે તે મોર્નિંગસાઈડ અરેના, લેસ્ટર તરીકે ઓળખાશે.
અરેનામાં ૩,૦૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે જે લેસ્ટરમાં સૌથી મોટી છે. અરેના નેશનલ બાસ્કેટબોલ ક્લબ ચેમ્પિયન્સ લેસ્ટર રાઈડર્સનું હોમ છે. લેસ્ટર અરેના રમતગમત, મનોરંજન, ધાર્મિક અને કોમેડી કાર્યક્રમો જેવા વિવિધ પ્રકારના આયોજનો તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતું સ્થળ બની ગયું છે.
તાજેતરમાં અરેનામાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમોમાં કેન્ટરબરીના આર્ચબિશપની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમ, ગ્રેટ બ્રિટન અને ગ્રીસ વચ્ચે FIBAવર્લ્ડ કપ બાસ્કેટબોલ ક્વોલિફાયર મેચ, અનેક બોલિવુડ મ્યુઝિક કાર્યક્રમો, ટેલિવાઈઝ્ડ બોક્સિંગ કાર્યક્રમો, નેશનલ કરાટે ચેમ્પિયનશિપ્સ તથા ઈન્ટરનેશનલ વ્હીલચેર રગ્બી અને બાસ્કેટ બોલ ઈવેન્ટ્સનો સમાવેશ થાય છે.
અરેનાનો ઉપયોગ લેસ્ટર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોર્સ વર્ક અને એનરીચમેન્ટ માટે, લેસ્ટરની બે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિઓ, અન્ડરએજ રાઈડર્સના પ્રોગ્રામના આયોજન માટે થાય છે.
મોર્નિંગસાઈડના ચીફ એક્ઝિક્યુટિવ ડો. નીક કોટેચા OBEએ જણાવ્યું હતું કે મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ આપણા સ્થાનિક સમાજના હિત માટે કાર્ય કરવા પ્રતિબદ્ધ છે અને લેસ્ટર અરેના આપણા શહેર, કાઉન્ટી અને ઈસ્ટ મીડલેન્ડ્સ માટે ખૂબ સુંદર નવી સુવિધા છે
આ પાર્ટનરશીપ દ્વારા અમે લોકલ અને નેશનલ કોમ્યુનિટી પ્રોજેક્ટ માટે દર મહિને એક દિવસ માટે અરેના આપી શકીશું, જે તમામને માટે લાભકારક નીવડશે. આ સ્થળનો ઉપયોગ કરનારા તમામ લોકોનો અનુભવ સુધારવા માટે અને કોમ્યુનિટી તથા ચેરિટેબલ પ્રવૃત્તિઓ માટે અરેનાના ઉપયોગને સમર્થન આપવા આ પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા અમે આનંદ સાથે રોમાંચ અનુભવીએ છીએ.
લેસ્ટર અરેના ડિરેક્ટર અને રાઈડર્સ ચેરમેન કેવિન રૂટલેજે જણાવ્યું હતું કે અરેના અને તેના તમામ પાર્ટનર્સ લેસ્ટરશાયરની મોટી અને ગ્લોબલ કંપનીઓ પૈકીની એક મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ સાથે થયેલી નેમીંગ રાઈટ્સ સ્પોન્સરશીપથી ખૂબ હર્ષની લાગણી અનુભવે છે.
તેમણે ઉમેર્યું હતું, ‘અમે લેસ્ટર અરેનાને રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓના નક્શામાં ઉચ્ચ વર્ગના અરેનામાં મૂકવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છીએ. તેની સાથે જ અમે કોમ્યુનિટી પ્રત્યેનું અમારું ધ્યાન યથાવત જાળવી રાખવા માગીએ છીએ. મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ સાથે કામ કરવાનું અમારી વ્યૂહનીતિ માટે ખૂબ લાભદાયક રહેશે.’
આ અરેનાનું નિર્માણ લેસ્ટર રાઈડર્સ, લેસ્ટર સિટી કાઉન્સિલ અને લેસ્ટર કોલેજની ભાગીદારીથી થયું હતું. અરેના માટે આ પાર્ટનરો અને સ્પોર્ટ ઈંગ્લેન્ડ અને લેસ્ટર એન્ડ લેસ્ટરશાયર એન્ટરપ્રાઈઝ પાર્ટનરશીપ અને સંખ્યાબંધ કોમર્શિયલ પાર્ટનરોએ ફંડ આપ્યું હતું.