વોશિંગ્ટનઃ કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં કિડની બહુ ખરાબ રીતે ડેમેજ થઈ રહી છે અને પેશન્ટમાં તેના કોઈ લક્ષણો પણ દેખાતાં ન હોવાનો દાવો અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના એક રિસર્ચમાં કરાયો છે. આ રિસર્ચ અનુસાર હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોનાના દર્દીઓમાં કિડની ડેમેજ થવાનું જોખમ વધારે રહેલું છે. અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે કોરોનાથી રિકવર થનારા દર્દીઓમાં ધમનીઓ સાથે સંકળાયેલી સમસ્યા જોવા મળે છે. સેંટ લૂઇસ હેલ્થ કેયર સિસ્ટમ અને વોશિંગ્ટન યુનિર્વિસટીના રિસર્ચરોએ હેલ્થ ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં જોવા મળ્યું હતું કે, કિડનીના ડેમેજ થવાનું કારણ લોંગ કોવિડ છે.
નેશનલ કિડની ફાઉન્ડેશનનું કહેવું છે કે, લગભગ ૯૦ ટકા દર્દીઓમાં કિડની સાથે સંકળાયેલી બીમારીના લક્ષણો જોવા મળતાં નથી. હાલ ૩.૭ કરોડ અમેરિકનો આ સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, કિડનીના દર્દીઓમાંથી ૭૦થી ૮૦ ટકાની કિડની ધીરે ધીરે કામ કરવાનું બંધ કરી દે છે ત્યાં સુધી દર્દી તેને સમજી શકતો નથી. આ માટે કેટલાક લક્ષણોને નજરઅંદાજ કરવા જોઈએ નહીં. જેમ કે, યુરિનમાં પ્રોટીનના પ્રમાણનું વધવું, પગ કે પગની ઘૂંટી અને આંખોની ચારે તરફ સોજા આવવા, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે.
કિડનીને સ્વસ્થ રાખવા માટે બ્લડપ્રેશરને ૧૪૦/૯૦થી ઓછું રાખવું જોઈએ. આ સિવાય ઓછા મીઠાવાળો ખોરાક ખાવો જોઈએ અને તેમાં ફળ તેમજ શાકભાજીનું પ્રમાણ વધારવું જોઈએ.