ન્યૂ યોર્ક: દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન છે. લોકો ઘરમાં બંધ છે અને દુનિયા જાણે થંભી ગઈ છે. લોકોને હવે જિંદગી ધૂંધળી નજરે પડે છે. ભાગતી-દોડતી જિંદગીમાં અચાનક લાગેલી આ બ્રેક અને કોરોના વાઇરસના ડરે લોકોના માનસિક આરોગ્ય પર અસર પાડવાનું પણ શરૂ કર્યું છે. તેના કારણે ચોતરફ ચિંતા, ડર, એકલતા અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. ઘરેલુ હિંસાના કેસ પણ વધી રહ્યા છે. ઘરમાં કેદ લોકો હવે રોજેરોજ એકસરખી દિનચર્યાથી કંટાળ્યા છે.
ત્રણ પરિબળ મહત્ત્વના
આ સ્થિતિનો સામનો કરવા નિષ્ણાતોએ જીવનમાં ત્રણ બાબત પર ભાર મૂકવાની સલાહ આપી છે: ૧. દિનચર્યા ૨. કુટેવો અને ૩. વિચારો. નિષ્ણાતોના કહેવા પ્રમાણે જો તમે આ ત્રણેય બાબત પર કાબૂ મેળવી લેશો તો જિંદગીનો એક નવો સુંદર રંગ તમારી નજર સામે આવી જશે.
ફ્લોરિડા યુનિવર્સિટીના મનોવિજ્ઞાની અને ઓનલાઈન થેરપી પ્લેટફોર્મ ઓપરેટ કરતા શેરી બેન્ટન કહે છે કે, આપણી દિનચર્ચામાં જ્યારે મોટો ફેરફાર થાય છે, ત્યારે આ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે.
ત્રણ મુદ્દા પરેશાનીના
લોકોને પરેશાન કરનારી મુખ્ય ત્રણ બાબત છે. પહેલી - કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો, બીજી - નોકરી-ધંધાની અનિશ્ચિતતા અને ત્રીજી - લોકડાઉનના કારણે આવેલી એકલતા. આ ત્રણેય બાબતથી લોકો તણાવમાં છે.
એટલાન્ટાના મનોવિજ્ઞાની જૈનબ ડેલવાલા કહે છે કે, આ પ્રકારના માહોલમાં તણાવ વધે છે. સામાન્ય તણાવ સારી બાબત છે, પરંતુ તેનાથી વધુ તણાવ નિરાશામાં પરિવર્તિત થઈ શકે છે. આવું ત્યારે થાય છે, જ્યારે આપણને જીવનમાં આગળ કોઈ જ રસ્તો દેખાતો નથી. કોરોનાને લઈને એટલી બધી અનિશ્ચિતતા પ્રવર્તે છે કે, ક્યારે બધું પહેલા જેવું સામાન્ય થશે એ કોઈ નથી જાણતું. આથી માનસિક તણાવ થવો સ્વાભાવિક છે, પરંતુ તેની અસર શરીર, મગજ અને વર્તન પર ના પડવી જોઈએ. દરેક પર તણાવની અસર જુદી જુદી હોય. આથી દિનચર્ચા, કુટેવો અને હકારાત્મક વિચારીને જ તણાવ દૂર થઈ શકે.
ત્રણ મંત્ર જીવન સુધારણાના
• દિનચર્યા: સૌથી પહેલા નવી દિનચર્યા નક્કી કરો. તેનાથી એક લક્ષ્ય મળે છે અને બધું સામાન્ય અનુભવાય છે. સમયસર ઉંઘ, સમયસર જાગવું, ભોજન, થોડી કસરત કરો. સમયને બે ભાગ એટલે કે ભોજન પહેલા, ભોજન પછી એમ બે ભાગમાં વહેંચી દો.
• કુટેવો: લોકડાઉન કે ક્વોરેન્ટાઈનમાં લોકો તણાવના કારણે દારૂ, તમાકુ, સિગારેટનું વ્યસન વધુ કરે છે. આ કુટેવોને છોડી દો અને તમારી લાગણીઓને પરિવાર-મિત્રો સાથે વહેંચો, જેથી તમને હળવા થઈ શકો.
• વિચાર: તમે ભલે પરિવાર સાથે ઘરે રહેતા હોવ, પરંતુ તમારી જાત માટે પણ સમય ફાળવો. જો તમે કંઈ નવું વિચારતા હો તો તેનું વિશ્લેષણ કરો. પોતાની જાતને સવાલો કરો. અને હા, શક્ય હોય એટલા હકારાત્મક પરિણામો પર પહોંચવાનો પ્રયાસ કરો.