કોરોના મહામારીમાં લદાયેલા લોકડાઉન સહિતના વિવિધ પ્રતિબંધોને કારણે અનેક પરિવાર બાળકોનાં વધતા વજન અંગે ચિંતિત છે. જોકે, આનો અર્થ એ નથી કે બાળકો પાસે ડાયેટિંગ કરાવવું જોઇએ. આવું કરવાથી તો વયસ્ક થતાં તેમનામાં ઇટિંગ ડિસઓર્ડરનું જોખમ વધી શકે છે. મેદસ્વિતાની સમસ્યાના કારણે જ્યાં સુધી હાઇટ વધતી નથી ત્યાં સુધી બાળકનું શરીર ગોળ-મટોળ થતું રહે છે. બાળકોનાં વધતા વજનની ચિંતા કરવાને બદલે માતા-પિતાએ તેમના ભાવનાત્મક અને શારિરિક ઉછેર પર ફોક્સ કરવું જોઇએ તેવું નિષ્ણાતો કહે છે. એવું જોવા મળ્યું છે કે જ્યારે આપણે બાળકને કોઇ વસ્તુ ખાતા રોકીએ તો એ તેને વધુ માત્રામાં ખાવા લાગે છે. બાળકોને ટોકવાને બદલે રમત-ગમત, પૌષ્ટિક ભોજનસ્ટાઇલ સહિતના શિડ્યુલને અનુસરો.
જેમ કે,
૧) બાળકોને સતત પ્રવૃત્ત રાખોઃ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર ૩થી ૫ વર્ષના બાળકોને આખો દિવસ એક્ટિવ રહેવું જોઇએ. જ્યારે એરોબિક એક્ટિવિટી ઉપરાંત હાડકાં મજબૂત કરતી ભાગદોડ અને માંસપેશીઓને મજબૂત કરતી ગતિવિધી જરૂર સામેલ કરો.
૨) ઓછી કેલેરીયુક્ત આહાર : ૬થી ૧૨ વર્ષના બાળકોને ૧૬૦૦થી ૨૨૦૦ કેલરીની જરૂર હોય છે. મહામારીના સમયમાં ઘરે રહીને વારંવાર ખાવાથી કેલેરી ઇન્ટેક વધી ગયો છે. આથી જ્યારે કંઇક ખાવા માટે માગે તો તેમને એક ગાજર, સફરજન કે કેળું, થોડી દ્વાક્ષ આપી શકો છો. તેમાં ૧૦૦થી પણ ઓછી કેલરી હોય છે. આનાથી તેમનું વજન પણ ઘટશે.
૩) ભોજન વેળા ટીવી ટાળો: હાર્વર્ડ રિસર્ચ અનુસાર બે કલાકથી વધુ ટીવી સ્ક્રિન સામે પસાર કરવા નુકસાનકારક છે, પરંતું કોરોના દરમિયાન બાળકોનો સ્ક્રીન ટાઇમ ઓનલાઇન ક્લાસિસને કારણે વધી ગયો છે. એક રિસર્ચ મુજબ ટીવી જોતા સમયે બાળકો જરૂર કરતાં વધુ ખાય છે. જેનાથી સ્થૂળતા વધે છે. જમવાના સમયે બાળકોને ટીવીન જોવા દો અને ઊંઘવાના બે કલાક પહેલા સ્ક્રીન સંબંધિત એક્ટિવિટી બંધ કરો.
૪) બાળકોને પૂરતી ઊંઘ જરૂરી: સીડીસી અનુસાર ૩થી ૫ વર્ષનાં બાળકોને ૧૦-૧૩ કલાક (ઝોકું પણ સામેલ છે), ૬-૧૨ વર્ષના બાળકોને ૯ કલાક અને ૧૨-૧૮ વર્ષના બાળકો માટે ૨૪ કલાકમાં ૮-૧૦ કલાક ઊંઘ જરૂરી છે. અપુરતી ઊંઘ, વધુ ભોજન અને શારીરિક રીતે નિષ્ક્રિય રહેવા પ્રેરે છે.