લંડનઃ કોરોના વાઈરસના કારણે લાખો લોકો ઘરમાં લોકડાઉન છે ત્યારે સેંકડો લોકો માનસિક આરોગ્ય સેવાઓ મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે. Mind ચેરિટીના સંશોધન અનુસાર ગત બે સપ્તાહમાં આશરે ૨૫ ટકા લોકો માનસિક આરોગ્ય સેવાની સુવિધા મેળવી શક્યા નથી. ચેરિટીએ ૮,૦૦૦થી વધુ લોકો સાથે કોરોના વાઈરસના કારણે તેમના પર થયેલી માનસિક અસરો વિશે વાત કરી હતી. વિશ્વના ૪૦થી વધુ નિષ્ણાતોએઆપઘાતની સંખ્યામાં ઉછાળો અટકાવવા માનસિક આરોગ્ય સપોર્ટ વધારવા તાકીદે પગલાં લેવાં સરકારોને હાકલ કરી છે.
ગત પખવાડિયામાં માનસિક આરોગ્ય સપોર્ટની સુવિધા મેળવવા પ્રયાસ કરનારા લોકોમાંથી આશરે ૨૫ ટકાએ તેમને કોઈ સહાય મળી ન હોવાનું જણાવ્યું હતું. તેમની સામે એપોઈન્ટમેન્ટ રદ થવા, જીપી સાથે અથવા કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ ટીમ સાથે મુલાકાત થવામાં મુશ્કેલી, ક્રાઈસિસ સર્વિસીસ દ્વારા ઈનકાર તેમજ ડિજિટલ વિકલ્પોના ઉપયોગ સંબંધિત મુદ્દાનો પડકાર હતો. લાંબા સમયથી એનોરેક્સિયા, ચિંતાતુરતા, હતાશા અને પોતાને જ નુકસાન પહોંચાડવાની વૃત્તિના કારણે મેન્ટલ હેલ્થની મદદ મેળવી રહેલા ઘણા લોકોએ બે મહિનાથી આમનેસામને થેરાપી મેળવી નથી. આવી થેરાપીના અભાવે તેમની હાલતમાં ફરી ઉથલો મારશે અને હોસ્પિટલમાં દાખલ થવું પડશે તેવી ચિંતા પણ તેમને સતાવે છે.
ગુએર્ન્સીમાં સેન્ટ પીટર પોર્ટની વોલન્ટીઅર અને ૨૬ વર્ષની વિદ્યાર્થિની એમિલી નટ્ટલ ગત વર્ષના જુલાઈથી સપ્તાહમાં ત્રણ આમનેસામને થેરાપી સેશનમાં હાજર રહેતી હતી અને ૨૪ માર્ચ પહેલાથી એકાંતવાસ પછી થેરાપી બંધ થઈ જવાથી તેને લોકોનો વિશ્વાસ કરવામાં, પ્રામાણિક અને નિખાલસ થવામાં મુશ્કેલી પડે છે. એકલાં રહેતાં ડર લાગે છે. હવે તેને પ્રીસ્ક્રિપ્શન્સ માટે લોકો પર આધાર રાખવો પડે છે. તેણે સપ્તાહમાં એક વખત ફોન દ્વારા સાઈકોલોજિસ્ટ સાથે સલાહ મેળવવાની ગોઠવણ કરી છે.
મિસ નટ્ટલ જેવાં ઘણા લોકોએ માઈન્ડ અને બીટ સંસ્થાઓની મદદ મેળવી છે. ‘માઈન્ડ’ દ્વારા માનસિક આરોગ્ય માટે મદદ નહિ માગનારાનો સર્વે પણ કરાયો છે, જેમાંથી ૪૧ ટકાનું માનવું હતું કે વ્યાપક કટોકટીના સંદર્ભમાં તેમની સમસ્યાઓ ખાસ મહત્ત્વની નથી જ્યારે ૧૨ ટકાએ કહ્યું હતું કે આમનેસામને એપોઈન્ટમાં હાજરી આપવાનું સલામત કે જવાબદાર ગણાય તે વિશે તેઓ સ્પષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે એક મિલિયનથી વધુ લોકો કોરોના વાઈરસ અને માનસિક આરોગ્ય વિથે ઓનલાઈન માહિતી મેળવવા ‘માઈન્ડ’ની સેવાનો ઉપયોગ કરી રહ્યા છે.