લોન્ગ કોવિડની અસર હોય તો ટુકડે-ટુકડે કામ કરો, એકલતાં - ડિસ્ટ્રેક્શનને ટાળો

Wednesday 13th April 2022 06:09 EDT
 
 

લંડનની ઈમ્પિરિયલ કોલેજ દ્વારા પાંચ લાખથી વધુ લોકો પર કરાયેલા રિસર્ચમાં જોવા મળ્યું કે, કોરોના સંક્રમણથી ગંભીર રીતે પીડિત લોકોમાં ચાર પ્રકારની સમસ્યાઓ હજુ પણ જોવા મળી રહી છે. આ તકલીફોમાં શ્વાસ લેવામાં મુશ્કેલી, થાક અને નબળાઈ, માથાનો દુ:ખાવો અને ગભરામણ, ધબકારા તેજ થવા, શરીરમાં સોયની જેમ ખૂંચવું, એકાગ્રતા અને યાદશક્તિ સંબંધિત સમસ્યા વગેરેનો સમાવેશ થાય છે. અનેક પીડિતોમાં સંક્રમણથી સાજા થયાના એક વર્ષ પછી પણ આ લક્ષણો જોવા મળી રહ્યા છે. લોકોમાં 12 સપ્તાહ સુધી આ સમસ્યાઓ રહેતી હોવાથી તેને લોન્ગ કોવિડ નામ અપાયું છે. ભારત સરકારે તો લોન્ગ કોવિડ અંગે વિશેષ ગાઈડલાઈન બહાર પાડીને તેને ગંભીર સમસ્યા ગણી છે. આરોગ્ય મંત્રાલયના એક અહેવાલ અનુસાર હોસ્પિટલમાં દાખલ થનારા કોવિડ-19થી 20થી 30ટકા ગંભીર દર્દીઓ માટે હૃદયની માંસપેશીઓમાં સમસ્યાઓ જોવા મળતી હોય છે. જેમ કે,

• મસ્તિષ્કઃ કોરોના માઈક્રોગ્લિયા નામના ઈમ્યૂન સિલ્સને એક્ટિ કરી દે છે, કારણે વૃદ્ધોને થતી માનસિક સમસ્યાઓ સામાન્ય લોકોમાં જોવા મળે છે.
• ફેફસાંઃ ટિશ્યૂમાં માઈક્રોક્લોટ્સ બની જાય છે. લોહીની સાથે આવતા ઓક્સિજનને અવશોષિત કરવાની ક્ષમતા ઘટી જાય છે.
• ઈમ્યૂન સિસ્ટમઃ કોરોના સંક્રમણ ઈમ્યૂન સિસ્ટમની ચેઈન અવરોધિત કરે છે. આંતરડાં, લિમ્પનોડ્સ અને શરીરના અનેક અંગોમાં વાઈરસ બચેલો રહી જાય છે.
• સર્ક્યુલેટરી સિસ્ટમઃ કોરોના સંક્રમણ વાહિકાઓને નુકસાન પહોંચાડે છે. બ્લડ ક્લોટિંગ બને છે, જેનાથી વ્યક્તિને હંમેશા થાક અનુભવાય છે.

આવી તકલીફ જણાય તો આવો ઉપાય અજમાવો...
• થાક લાગે કે શ્વાસ ફૂલાય તો કામ દરમિયાન બ્રેક લો...
કામને આયોજનબદ્ધ રીતે કરો. જો કામ લાંબુ ચાલવાનું હોય તો તેને નાના-નાના ટૂકડામાં વહેંચી નાખો. આ રીતે તમે વધુ થાકથી બચી શકો છો. નાનો-નાનો બ્રેક લેતા રહો, પરંતુ થકવી દે તેવા કામ બંધ ન કરો. આમ કરવાથી માંસપેશીઓ નબળી થઈ શકે છે. જેના કારણે થાક અને શ્વાસ ફૂલાઈ જવાની સમસ્યા ભવિષ્યમાં વધી શકે છે.
• યાદશક્તિ ઘટી હોય તેવું લાગે તો ડિસ્ટ્રેક્શનથી બચો...
કોઇ કામ કે વસ્તુઓ યાદ રાખવા માટે તેની નોંધ કરીને રાખો. સૌથી મહત્ત્વનું છે, વારંવાર ડિસ્ટ્રેક્શન એટલે કે ધ્યાન ભટકવાથી બચો. એકાગ્ર રહેવાથી તમારું મગજ તમારી કોઈ સમસ્યા અથવા વિપરીત પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર રહે છે. તેના માટે ધ્યાન કરવાની પ્રેક્ટિસ કરતા રહો.
• મૂડ અને મેન્ટલ હેલ્થ બગડે તો એકલવાયાપણાથી બચો...
એક સારી દિનચર્ચા સારા મૂડ અને માનસિક આરોગ્ય માટે અત્યંત જરૂરી છે. ખુદના માટે ડેઈલી રૂટીન જરૂર બનાવો. એકલવાયાપણાથી બચો. હંમેશા એક્ટિવ રહો. હાર્વર્ડ ઈન્સ્ટિટ્યૂટના અભ્યાસ અનુસાર ફિઝિકલ એક્ટિવિટી એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ કરે છે, જેનાથી મૂડ સારો રહે છે.
• સાંધા, માંસપેશીમાં દુ:ખાવો રહેતો હોય તો સ્ટ્રેચિંગ, કસરત વગેરે કરો...
સાંધા અથવા માંસપેશીઓમાં દુ:ખાવાને ઘટાડવા માટે નિયમિત રીતે ફ્લેક્સિબિલિટી એક્સરસાઈઝ જેમ કે, સ્ટ્રેચિંગ, યોગ વગેરે કરો. આ ઉપરાંત શારીરિક ક્ષમતા વધારતી કસરત જેવી કે સીડીઓ ચઢવી, જિમિંગ અથવા બેન્ડના માધ્યમથી રેઝિસ્ટન્સ એક્સરસાઈઝ કરો.
આ અને આવા પ્રયાસો લોન્ગ કોવિડથી થનારી અસરો તો ઘટાડશે જ સાથોસાથ તમારી શારીરિક-માનસિક ચુસ્તી-સ્ફૂર્તિમાં પણ વધારો કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter