બર્લિંન: લોન્ગ કોવિડની સારવાર માટે યુરોપના અનેક દેશોમાં અસંખ્ય દર્દી બ્લડ વોશિંગ એટલે કે લોહી સાફ કરાવવાનો નુસખો અપનાવી રહ્યા છે. બ્લડ વોશિંગ મોંઘી સારવાર પૈકી એક છે. દરેક વોશિંગનો ખર્ચ લગભગ બેથી અઢી હજાર પાઉન્ડ (આશરે બેથી અઢી લાખ રૂપિયા) આસપાસ થાય છે. આ સારવારમાં શરીરમાંથી બધું લોહી કાઢવામાં આવે છે અને તેમાંથી લિપિડ અને શરીરમાં સોજો લાવનાર પ્રોટીનને હટાવી દેવામાં આવે છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે કોઈ પણ શોધ-સંશોધનમાં એ પુરવાર નથી થયું કે કોરોનાનાં લક્ષણોથી મુક્તિ મેળવવા માટે બ્લડ વોશિંગ યોગ્ય વિકલ્પ છે. જર્મની અને સ્વિત્ઝરલેન્ડ સહિત ટર્કીમાં પણ આવાં અનેક ક્લિનિક ચાલી રહ્યાં છે જે બ્લડ વોશિંગથી સારાં પરિણામો મળવાના દાવા કરે છે. તેમનો દાવો છે કે આ સારવાર લાંબા સમયથી કોરોનાનો સામનો કરી રહેલા દર્દીઓમાં બ્લડ ક્લોટ્સને હટાવે છે અને રક્તસંચારને બરાબર કરે છે. સાથોસાથ તેઓ એવું પણ માને છે કે દર્દી તેની પર શોધ થવાની રાહ ન જોઈ શકે, તેમને તકલીફ થઈ રહી છે તો તેઓ સારવાર લેશે જ.
જોકે, યુનિવર્સિટી ઓફ લીડ્સના ડો. રોબર્ટ અરિઅન્સનું માનવું છે કે જ્યારે આપણે એ જ નથી જાણતા કે ક્લોટ્સ કેવી રીતે થાય છે તો તેની સારવાર વિશે કેવી રીતે કહી શકાય. બ્રિટિશ મેડિકલ જર્નલનો રિપોર્ટ જણાવે છે કે નેધરલેન્ડ્સની એક મહિલા લોન્ગ કોવિડની પીડિત હતી. તે એક ગ્રૂપ સાથે જોડાઈ જેણે બ્લડ વોશિંગની સલાહ આપી. મહિલાએ સાઇપ્રસ જઈને ટ્રીટમેન્ટ તો કરાવી પરંતુ જીવનભરની બચત ખર્ચા કર્યા બાદ પણ તેને કોઈ ફાયદો થયો નહોતો.
બ્રેન હેમરેજ થવાનું જોખમ
નિષ્ણાત ડોક્ટરોનું માનવું છે કે બ્લડ વોશિંગના કારણે દર્દીને અનેક સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે. દર્દીને રક્તસ્ત્રાવથી લઈને હેમરેજ સુધી મુશ્કેલી થઈ શકે છે. ડોક્ટરોની સલાહ છે કે લોન્ગ કોવિડના ઉપચાર માટે જે પ્રચલિત મેડિકલ ટ્રીટમેન્ટ છે તે જ કરાવવી જોઈએ. તબીબી સંશોધનમાં અસરકારકતા પુરવાર ન થઇ હોય તેવા કોઇ પણ ઉપાય અજમાવવા જોખમી સાહિત થઇ શકે છે.