લંડનઃ સામાન્યપણે વિશ્વમાં લોકો આઠ પ્રકારના બ્લડ ગ્રૂપમાં વહેંચાયેલા હોય છે. જોકે, કોર્નવોલના પેન્ઝાન્સનાં બાવન વર્ષનાં રક્તદાતા સ્યૂ ઓલ્ડ્સ અતિ વિશિષ્ટD - (D dash) ગ્રૂપનું રક્ત ધરાવે છે, જે બ્રિટનમાં એક માત્ર તેમનાં શરીરમાં જ વહે છે. સમગ્ર વિશ્વમાં આ ગ્રૂપનું લોહી ધરાવતી ૧૧૦ વ્યક્તિ છે, અને તેમાંથી ૮૮ જાપાનમાં વસે છે. સ્યૂએ અત્યાર સુધીમાં ૪૬ વખત રક્તદાન કર્યું છે અને તેના થકી એક બાળકી સહિત અસંખ્ય લોકોને નવજીવન સાંપડ્યું છે.
નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ની બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ સંસ્થા કહે છે કે જો સ્યૂ જીવનભર રક્તદાન કરતી રહેશે તો તે લોહી મેળવનારા ઓછામાં ઓછાં ૧૦૦ વ્યક્તિને જીવતદાન મળશે અથવા તો જીવનમાં સુધારો લાવી શકશે. પોતાના દુર્લભ બ્લડ ગ્રૂપનું મહત્ત્વ જાણતાં સ્યૂ ઓલ્ડ્સ પણ બને તેટલી વધુ વખત રક્તદાન કરવા માગે છે. NHSની સપોર્ટ વર્કર સ્યૂએ આપેલું લોહી લિવરપૂલની નેશનલ ફ્રોઝન બ્લડ બેન્કમાં સાચવી રખાય છે, જેથી તેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં ઈમર્જન્સી સમયે કરી શકાય. તેને પોતાને પણ જરૂર પડે ત્યારે પણ તેને આ લોહી મળી શકશે.
એક સંતાનનાં માતા સ્યૂએ ૧૯૯૪થી રકતદાન શરૂ કર્યું હતું અને તેને પોતાનું લોહી દુર્લભ પ્રકારનું હોવાની જાણ હતી, પરંતુ સમગ્ર બ્રિટનમાં ટાઈપ D- ગ્રૂપનું લોહી ધરાવતી પોતે એકમાત્ર વ્યક્તિ હોવાની જાણ તેને આ વર્ષે જ થઈ છે. NHS પાસે મેક્લીઓડ અને Hy- જેવા અતિ દુર્લભ ગ્રૂપના રક્તના દાતાઓ છે, પરંતુ સ્યૂના લક્ષણો તેને અલગ પાડે છે.
નિષ્ણાતો કહે છે કે D- ગ્રૂપનું લોહી અન્ય કોઈ ગ્રૂપનું લોહી ધરાવતી વ્યક્તિને ચડાવી શકાય છે. જોકે, સ્યૂ અથવા તેના જેવું ગ્રૂપ ધરાવતી વ્યક્તિને અન્ય ટાઈપનું લોહી ચડાવાય તો તે સંભવિત જીવલેણ નીવડી શકે છે. સ્યૂ કહે છે કે, ‘મારી રક્તદાનની એક એપોઈન્ટમેન્ટ પૂરી થાય કે તરત બીજી એપોઈન્ટમેન્ટ માટે ફોન પર બુકિંગ કરી લઉં છું. દર ચાર મહિને એક દિવસના એક કલાક સિવાય કંઇ ગુમાવવાનું નથી. મને ખબર છે કે તેનાથી માર્ગ અકસ્માતનો ભોગ બનેલા કે પછી બાળકને જન્મ આપનારી મહિલાનો જીવ બચી શકે છે. હું દરેકને આમ કરવા પ્રોત્સાહન આપીશ.’
બ્લડ ગ્રૂપનો આધાર પેરન્ટ્સના જીન્સ
વારસામાં મળતા પેરન્ટ્સના જીન્સના આધારે આપણું બ્લડ ગ્રૂપ નક્કી થાય છે. મુખ્યત્વે તે ચાર ગ્રૂપ - A, B, AB અને Oમાં વહેંચાયું છે. આ ગ્રૂપના પોઝિટિવ અને નેગેટિવ લક્ષણો સાથે તેના કુલ આઠ પ્રકાર થાય છે. જોકે, અત્યાર સુધી ૩૫થી વધુ બ્લડ ટાઈપ્સ જોવાં મળ્યાં છે અને નવાનું સંશોધન થઈ રહ્યું છે. મુખ્ય ચાર ગ્રૂપમાંથી ઓ નેગેટિવ અને બી નેગેટિવનું પ્રમાણ ઓછું જોવાં મળે છે.
NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાએ દર વર્ષે મિશ્ર બ્લડ ગ્રૂપના ૧.૪ મિલિયન યુનિટ એકત્ર કરવાની જરૂર પડે છે. યુકેમાં સામાન્યપણે અશ્વેત, એશિયન તેમજ અન્ય વંશીય લઘુમતી કોમ્યુનિટીઓમાં ‘ઓ પોઝિટિવ’ અને ‘બી પોઝિટિવ’ ટાઈપનું પ્રમાણ વધુ જોવાં મળે છે. શ્વેત લોકોમાં આ પ્રકાર ઓછો જોવા મળે છે.