સાન ફ્રાન્સિસ્કોઃ છેલ્લાં ૨૫ વર્ષમાં અન્ય વંશીય જૂથોથી ઉલટું સાઉથ એશિયન અમેરિકન મહિલાઓ જેમાં ભારતીય અમેરિકી અને પાકિસ્તાની મહિલાઓનો સમાવેશ થાય છે તેમનામાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું હોવાનું કેન્સર પ્રિવેન્શન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેલિફોર્નિયા (CPIC) દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું હતું.
તેમાં સાત મુખ્ય એશિયન અમેરિકન વંશીય જૂથોના કોરિયન અને કંબોડિયન, હેમંગ, લાઓતિયન અને થાઈ મહિલાઓ સહિત સાઉથઈસ્ટ એશિયન મહિલાઓનો અભ્યાસ કરાયો હતો.
કોરિયા અને સાઉથ એશિયન મહિલાઓ મેમોગ્રાફીનો સૌથી ઓછો ઉપયોગ કરે છે. તેમનામાં મોટી ઉંમરે આ રોગનું પ્રમાણ વધતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું.
CPIC ના મુખ્ય સંશોધક સ્કાર્લેટ લીન ગોમેઝે જણાવ્યું હતું કે ખાસ કરીને ફિલિપીનો, કોરિયન અને સાઉથ એશિયન મહિલાઓમાં મોટી ઉંમરે આ રોગના પ્રમાણમાં થતો વધારો આ જૂથોમાં મેમોગ્રાફી સ્ક્રિનીંગ વધારવાની જરૂરિયાત સૂચવે છે.
સંશોધકોએ ૧૯૮૮થી ૨૦૧૩ સુધીની પેટર્નનો અભ્યાસ કર્યો હતો અને કેલિફોર્નિયામાં એશિયન અમેરિકન મહિલાઓમાં આ સમયગાળામાં વ્યાપક બ્રેસ્ટ કેન્સરના ૪૫ હજારથી વધુ કેસ શોધી કાઢ્યા હતા. કેલિફોર્નિયામાં એશિયન અમેરિકનની સૌથી વધુ વસતિ છે. સંશોધકોએ અભ્યાસ માટે કેલિફોર્નિયા કેન્સર રજિસ્ટ્રીની વિગતોનો ઉપયોગ કર્યો હતો.
આ અગાઉ તમામ એશિયન અમેરિકન મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના પ્રમાણનો અભ્યાસ કરાયો હતો. તેમાં આવતા ચોક્કસ વંશીય જૂથો વિશે માહિતીના સમાવેશ માટે આ અભ્યાસ હાથ ધરાયો હતો.