વજન ઘટાડવાની દવાઓ બેધડક લેવામાં જોખમ
આજકાલ ફાસ્ટ કે જંક ફૂડ્સના લીધે વજન વધવા અને સ્થૂળતાની સમસ્યા આસમાને પહોંચી રહી છે ત્યારે વજન ઝડપથી ઘટાડવા માટે પણ અવનવી દવાઓ, સપ્લિમેન્ટ્સ અને ઈન્જેક્શન્સ અને સર્જરીનો સહારો લેવાઈ રહ્યો છે. ‘જામા નેટવર્ક ઓપન’ જર્નલમાં મોનાસ યુનિવર્સિટીના સંશોધકોએ ચેતવણી આપી છે કે 18 કે તેથી ઓછી વયના લોકો માટે પ્રીસ્ક્રિપ્શન વિના જ વેઈટ લોસની દવાઓ/પ્રોડક્ટ્સ છૂટથી વેચાઈ રહ્યા છે તેનાથી ભારે નુકસાન થાય છે. વિશ્વમાં 10માંથી એક સગીર છોકરી વેઈટ લોસની દવાઓનો ગેરકાયદે ઉપયોગ કરે છે. સમગ્રતયા એનાલિસીસ મુજબ 6 ટકા ટીનેજર્સે ડાયેટ પિલ્સ, 4 ટકાએ લેક્સેટિવ્ઝ અને 2 ટકાએ ડાઈયુરેટિક (મૂત્ર વધારતી દવાઓ)નો ઉપયોગ તેમના વજન પર અંકુશ મેળવવા કર્યો હતો. આ સંશોધનમાં યુકે સહિતના દેશોના 600,000થી વધુ ટીનેજર્સને સાંકળતા 90 અભ્યાસોને ધ્યાનમાં લેવાયા હતા. અભ્યાસ હેઠળના કેટલાક ઉત્પાદનો યુકેની ફાર્મસીઓમાં પ્રીસ્ક્રિપ્શન વિના મળે છે. જો તે સલામત હોવાનો દાવો કરાતો હોય તો પણ તે કામ કરતા હોવાના પુરાવા ન હોવાની ચેતવણી વિજ્ઞાનીઓ આપે છે. છોકરીઓમાં આ ઉત્પાદનોના ઉપયોગનું ચલણ વધુ છે જેને ઓછાં આત્મવિશ્વાસ, શારીરિક પ્રશ્નો, પેરન્ટ્સ અને વડીલોનો પાતળા રહેવા અંગે દબાણ સાથે સાંકળવામાં આવે છે. યુએસના એક અભ્યાસ મુજબ જે ટીનેજર્સ વજન ઘટાડવાની પદ્ધતિઓનો અતિશય ઉપયોગ કરે છે તેઓ આગળ જતાં સ્થૂળતાનું ત્રણ ગણું જોખમ તેમજ બુલિમીઆ જેવી આહારની વિકૃતિઓનું ગંભીર જોખમ ધરાવે છે.
•••
આંતરડાનું કેન્સર હવે ત્રીજા સ્થાને પહોંચ્યું
NHSના આંકડા મુજબ સૌથી સામાન્ય કેન્સરના રોગોમાં આંતરડાનું કેન્સર હવે ત્રીજા સ્થાને પહોંચ્યું છે. કેન્સર વિશે રેકોર્ડ્ઝ નોંધાવાની 1995માં શરૂઆત થયા પછી આંતરડાના કેન્સરે સૌપ્રથમ વખત ફેફસાના કેન્સરની સંખ્યાને વટાવી લીધી છે અને વધુ સંખ્યામાં લોકો તેના માટે પરીક્ષણો કરાવી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં 2021માં આંતરડાના કેન્સરથી પીડાતા લોકોની સંખ્યા 41,596 હતી જ્યારે ફેફસાનાં કેન્સરગ્રસ્તોની સંખ્યા 39,635 હતી. સૌથી સામાન્ય કેન્સરમાં બ્રેસ્ટ કેન્સર પ્રથમ સ્થાને અને પ્રોસ્ટેટ કેન્સર બીજા ક્રમે છે. યુકેમાં કેન્સરથી મોત બાબતે લગભગ વાર્ષિક 35,000 મોત સાથે ફેફસાનું કેન્સર પ્રથમ સ્થાને છે જ્યારે આંતરડાનું કેન્સર બીજા ક્રમે છે જેનાથી દર વર્ષે 16,000 દર્દી જાન ગુમાવે છે. હેલ્થ સર્વિસ દ્વારા આંતરડાના કેન્સર મુદ્દે જાગરૂકતા કેળવાઈ હોવાથી પરીક્ષણો વધ્યા છે પરંતુ, નિષ્ણાતોની ચેતવણી છે કે આપણા આહાર તથા સ્થૂળતા અને ધૂમ્રપાન સહિતની જીવનશૈલીના કારણે તેનાથી મૃત્યુદર વધતો રહેશે. 60 વર્ષથી નીચેની વયના લોકોમાં આંતરડાના કેન્સરના પરીક્ષણો અને નિદાનમાં વધારો થયો છે.